

પોરબંદર, 13 જાન્યુઆરી (હિ.સ.)સમગ્ર દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026ની ઉજવણી ચાલી રહી છે, આ ઉજવણી અંતર્ગત પોરબંદર જીલ્લામાં પણ પોરબંદર પોલીસ અને જેસીઆઈ કલબના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસ ઉજવાઈ રહ્યો છે. માર્ગ સલામતી માસની ઉજવણીમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ સુદામા ચોક ખાતે વાહન ચાલકો માટે સીપીઆર તાલીમ કેમ્પ યોજાયો હતો. ટ્રાફિક પોલીસ,108 એમ્બ્યુલન્સની ટીમ તથા જે.સી.આઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ સીપીઆર તાલીમમાં વાહન ચાલકો અને રાહદારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ તાલીમ મેળવી જરૂરિયાતના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિની જિંદગી બચાવવા આ તાલીમ ઉપયોગી સાબિત થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ સીપીઆર તાલીમ કેમ્પમાં ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ, ટ્રાફિક પોલીસની ટીમ, જેસીઆઈ પોરબંદરના પ્રમુખ પ્રતીક લાખાણી, સેક્રેટરી વિવેક લાખાણી, સમીર ધોયડા, ધૈવત વિઠલાણી, ધૈર્ય દત્તાણી, વિશાલ લાખાણી, વરુણ લાખાણી, અક્ષય રાયચુરા, તેજશ છાયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 108 એમ્બ્યુલન્સની ટીમે CPR વિશે ટેક્નિકલ માર્ગદર્શન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya