



પોરબંદર, 13 જાન્યુઆરી (હિ.સ.) આભમાં મુક્ત મને વિહાર કરતાં પક્ષીઓ માટે ઉત્તરાયણનો તહેવાર દરમ્યાન પતંગના કાચ પાયેલા ક્રૂર દોરા જ્યારે આ નિર્દોષ પંખીઓની પાંખોને ચીરી નાખે છે, ત્યારે તેમની મૌન ચીસો આભને આંબી જતી હોય છે. પક્ષીઓની આ અસહ્ય વેદનાને વાંચા આપવા અને તેમના જીવ બચાવવા માટે પોરબંદર વન વિભાગ દ્વારા 10 થી 20 જાન્યુઆરી 2026 સુધી ‘કરુણા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે.
બરડા અભયારણ્યના આર.એફ.ઓ. એસ. આર. ભમરે અત્યંત સંવેદનશીલતા સાથે જણાવ્યું કે, પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે ખાસ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જ્યાં નિષ્ણાંતો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જો કોઈ પણ નાગરિકને ઘાયલ પશુ-પંખી જોવા મળે, તો તેઓ નજીકના સારવાર કેન્દ્ર અથવા પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીઓને પહોંચાડી શકે છે.
વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, હેલ્પલાઇન નંબર 1926 પર કોલ કરવાથી નાગરિકોને તેમના નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી પણ મળી રહેશે. તેમજ વન વિભાગ દ્વારા તમામ નાગરિકોને પક્ષીઓના જીવ બચાવવા માટે આ અભિયાનમાં સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya