
ગીર સોમનાથ, 13 જાન્યુઆરી (હિ.સ.) આવી રહેલ મકરસંક્રાંતિના પવિત્ર પર્વને ધ્યાનમાં લઈ સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિપૂર્ણ અને સલામત રીતે તહેવાર ઉજવાય તે હેતુથી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. લોહ સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં શહેરના વિવિધ સમાજોના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો તથા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બેઠક દરમ્યાન મકરસંક્રાંતિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, જાહેર સલામતી સુનિશ્ચિત થાય તેમજ કોઈપણ પ્રકારની અણછાજતી ઘટના ન બને તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પતંગ ઉડાડવા દરમિયાન ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો, જાહેર માર્ગો પર અડચણ ન ઊભી થાય તે બાબતનું ધ્યાન રાખવું, ધાર્મિક અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા માટે સર્વ સમાજના આગેવાનોને અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત સુત્રાપાડા પોલીસ દ્વારા તહેવાર દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. આજરોજ વહેલી સવારે ઇન્ચાર્જ પી.આઈ. લોહ સાહેબની રાહબરી હેઠળ પી.એસ.આઈ. દેવ સાહેબ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા સુત્રાપાડા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલિંગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી હતી તેમજ લોકો સાથે સંવાદ સાધી શાંતિ અને સલામતીનો વિશ્વાસ અપાયો હતો.
પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે મકરસંક્રાંતિ દરમિયાન શહેરમાં સતત પેટ્રોલિંગ, દેખરેખ અને સતર્કતા રાખવામાં આવશે. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થા ભંગ કરતી પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ નાગરિકોને પણ પોલીસ સાથે સહકાર આપવાની અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તરત પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
સુત્રાપાડા પોલીસના આ આયોજનથી શહેરમાં તહેવાર પૂર્વે શાંતિપૂર્ણ માહોલ સર્જાયો છે અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ