
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.)પોષ વદ દશમ, મંગળવાર 13 જાન્યુઆરીના પવિત્ર દિવસે પાટણ ખાતે શ્રી પદ્મનાભજી ભગવાનની જ્યોત સ્વરૂપે પરંપરાગત રવાડી નીકળી હતી. આ ધાર્મિક પ્રસંગે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં ભક્તિભાવથી હાજર રહ્યા હતા.
શ્રી પદ્મનાભ મંદિરના મહંતો દ્વારા ભગવાનની વિધિવત પૂજા-અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનના વાણી-કીર્તન સાથે જ્યોત પ્રજ્વલિત કરી મંદિર પરિસરની પરિક્રમા કરાવવામાં આવી હતી, જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પરિક્રમા બાદ શ્રી પદ્મનાભ વાડીમાં બિરાજમાન શ્રી ગણપતિ દાદાની પૂજા કરીને ફરી શ્રી પદ્મનાભજી મંદિર ખાતે દર્શન કરવામાં આવ્યા હતા. દશમના પવિત્ર દિવસે જ્યોત સ્વરૂપ રવાડીના દર્શન અને પ્રસાદનો લાભ લઈ ભક્તોએ આત્મિક આનંદ અનુભવ્યો હતો; આ આયોજનને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટ, મહંતો અને ભક્તોએ સહકાર આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ