
- બંને સામે માનહાનિ કેસ ચાલશે
- કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહથી અલગ કરવાની અરજી કરી હતી
અમદાવાદ,13 જાન્યુઆરી (હિ.સ.) અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા સાંસદ સંજયસિંહની અરજીઓ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે રિવિઝન અરજીઓ નામંજૂર કરી હતી. જેની સામે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં અપીલમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટે બંને પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખ્યો હતો. જેને 13 જાન્યુઆરી જાહેર કરતા બંનેની અરજીઓ નકારી નાખી છે.
મૂળ આ કેસમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે 2023માં કરેલા નિવેદનોને લઈ ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા માનહાનિના કેસમાં રાહત માંગી હતી.
અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટ બંને રાજકારણીઓ સામેના ફોજદારી માનહાનિના કેસની કાર્યવાહી ચલાવી રહી હોવાથી, કેજરીવાલે પોતાની ટ્રાયલ સંજયસિંહની ટ્રાયલથી અલગ કરવાની અરજી કરી હતી. તેમનો દાવો હતો કે તેમની ઉપર કાવતરું અથવા સામાન્ય ગુનાહિત ઇરાદાને આગળ વધારવાનો કોઈ આરોપ નથી, તેથી કોર્ટે તેમની ટ્રાયલ સંજયસિંહતની ટ્રાયલથી અલગ કરવી જોઈએ.
સંજયસિંહે પોતાની ગેરહાજરીમાં, પરંતુ પોતાના વકીલોના નિર્દેશ મુજબ પોતે નિર્દોષ હોવાનો દાવો નોંધાવતા ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 251 હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમના વકીલની હાજરીમાં તેમની પ્લી નોંધવાના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે આ નિર્ણયને અયોગ્ય ગણાવી રદ કરવાની માંગ કરી હતી.
વર્ષ 2023માં એક પત્રકાર પરિષદ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે વડાપ્રધાન મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીનો આરોપ છે કે, આ નિવેદનો અત્યંત અપમાનજનક હતા અને તેનાથી યુનિવર્સિટીની વર્ષો જૂની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. આ મામલે યુનિવર્સિટીએ એપ્રિલ 2023માં ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. નોંધનીય છે કે, હાઇકોર્ટે જ્યારે વડાપ્રધાનની MAની ડિગ્રી જાહેર કરવાના સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)ના આદેશને રદ કર્યો, તેના એક મહિનામાં જ આ નિવેદનો કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલે એવી અરજી કરી હતી કે તેમની સામે ચાલી રહેલી ટ્રાયલને સંજય સિંહની ટ્રાયલથી અલગ કરવામાં આવે. કેજરીવાલનો દાવો હતો કે તેમની ઉપર કોઈ કાવતરું રચવાનો કે સામાન્ય ગુનાહિત ઇરાદાને આગળ વધારવાનો આરોપ નથી. જોકે, વધારાના સેશન્સ જજ એમ. પી. પુરોહિતે આ માંગણી ફગાવી દેતા જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે બંને નેતાઓ એક જ ઘટનાક્રમમાં સામેલ હતા અને તેમનો હેતુ સમાન હતો. CrPCની કલમ 223 મુજબ, જ્યારે ગુનો એક જ શ્રેણીમાં હોય ત્યારે સંયુક્ત ટ્રાયલ ચલાવવી યોગ્ય છે.
બીજી તરફ સંજયસિંહે પણ નીચલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. તેમણે CrPCની કલમ 251 હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમના વકીલની હાજરીમાં લેવામાં આવેલી પ્લી (નિર્દોષ હોવાનો દાવો) નોંધવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. જોકે, કોર્ટે તેમની અરજી નામંજૂર કરતા ટિપ્પણી કરી હતી કે, જે આદેશ આરોપીના પોતાના કહેવા પર અને તેના હિતમાં જ પાસ થયો હોય, તેને પાછળથી તે જ આરોપી રદ કરવાની માગ કરી શકે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ