
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.)રાધનપુરના ઘાંચીવાસ પરા વિસ્તારમાં એક આધેડ પર છરી વડે ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. પુત્રી દ્વારા અગાઉ કરાયેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કરવાના મુદ્દે આ બનાવ બન્યો હતો. ઘટનાને લઈને રાધનપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ 10 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે લગભગ 8:45 વાગ્યે ફરિયાદી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી મયુદ્દીનભાઈ ઉર્ફે પપ્પુ દાઉદભાઈ ઘાંચી અને અસરદભાઈ રહીમભાઈ ઘાંચીએ તેમની બ્રેઝા કાર બાઈક આગળ ઊભી રાખી તેમને અટકાવ્યા હતા અને ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું.
ફરિયાદીએ ઇનકાર કરતા બંને આરોપીઓ ઉશ્કેરાયા હતા અને ઝઘડો થયો હતો. આ દરમિયાન મયુદ્દીનભાઈએ છરી વડે પીઠમાં ઘા કર્યો હતો, પરંતુ ગરમ જેકેટ પહેરેલી હોવાના કારણે મોટો બચાવ થયો. ત્યારબાદ હાથ આડો ધરતા હથેળી અને કલાઈના ભાગે ઇજાઓ પહોંચી હતી અને બંને આરોપીઓએ ગડદાપાટુનો માર પણ માર્યો હતો.
આ સમયે સદ્દામભાઈ ઘાંચી વચ્ચે પડતા ફરિયાદીનો બચાવ થયો હતો. હુમલા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તને પ્રથમ રાધનપુર રેફરલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ