
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.) હારીજ ખાતેની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં 12 જાન્યુઆરી, 2026ના રોજ સ્વામી વિવેકાનંદની જયંતી નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉદ્દીશા પ્રકલ્પ અંતર્ગત વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં સ્વામી વિવેકાનંદના વિચારો, જીવનદર્શન અને રાષ્ટ્રનિર્માણના સંદેશને ઉજાગર કરવાનો હતો. કાર્યક્રમના વક્તા રામશીભાઈ પટેલે રાષ્ટ્રીય યુવા દિવસ 2026ની થીમ “સ્વને પ્રજ્વલિત કરો, વિશ્વને પ્રભાવિત કરો” પર ભાર મૂકતાં આત્મવિશ્વાસ, શિસ્ત, યુવા શક્તિ અને રાષ્ટ્રસેવા અંગે પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા હતા.
વ્યાખ્યાનથી વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને સકારાત્મક વિચારશક્તિનો સંચાર થયો હતો. કાર્યક્રમનું સંચાલન ઉદ્દીશા પ્રકલ્પના કો-ઓર્ડિનેટર માનસિંહભાઈ એમ. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ