



પોરબંદર, 13 જાન્યુઆરી (હિ.સ.)ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે તા. 12 અને 13 જાન્યુઆરી દરમિયાન રાજ્યવ્યાપી ‘પોષણ ઉડાન - 2026’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા જિલ્લાની તમામ આંગણવાડીઓ, સેજા અને ઘટક કક્ષાએ ‘પોષણ ઉડાન - 2026’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ‘પૂર્ણા યોજના’ અંતર્ગત નોંધાયેલી કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિભાગ દ્વારા કિશોરીઓને પતંગ અને દોરાની ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે કિશોરીઓએ પતંગો પર પોષણ, સંતુલિત આહાર અને સારા આરોગ્યને લગતા સૂત્રો લખ્યા હતા. જ્યારે આ પતંગો થકી પોષણનો સંદેશ પણ જન-જન સુધી પહોંચાડવાનો એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ આયોજન પાછળનો મુખ્ય હેતુ સમુદાયમાં, ખાસ કરીને અંતરિયાળ અને પાયાના સ્તરના લોકો સુધી પોષણ અને આરોગ્યની પ્રાથમિકતાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. ઉત્તરાયણ જેવા લોકપ્રિય તહેવારના માધ્યમથી લોકો રમત-ગમતની સાથે સ્વાસ્થ્યના મહત્વને પણ સમજે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આઈ.સી.ડી.એસ. શાખા, પોરબંદર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાની કિશોરીઓ, આંગણવાડી કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. પરંપરાગત ઉત્સવને સામાજિક જવાબદારી સાથે જોડીને સમગ્ર જિલ્લામાં આનંદ અને ઉત્સાહભેર ‘પોષણ ઉડાન’ની ઉજવણી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya