
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.)પાટણ નગરપાલિકાએ અંબાજી નેળિયા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે નિયમિત સફાઈ દરમિયાન રસ્તા અને પાણીના વહેણમાં અવરોધરૂપ કાચા-પાકા દબાણો જોવા મળ્યા હતા, જેના પગલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી.
આ કાર્યવાહીમાં 3 કાચા-પાકા છાપરા, 1 શેડ અને 1 મોટું જાહેરાતનું હોર્ડિંગ બોર્ડ દૂર કરવામાં આવ્યું છે. સાથે જ, પાણીના નિકાલમાં અવરોધરૂપ દિવાલો તોડી રસ્તો ખુલ્લો કરાયો છે, જેથી સફાઈ અને અવરજવર બંનેમાં સુધારો થશે.
દબાણ હટાવણી સાથે અંબાજી નેળિયામાં સારથી નગરથી નિર્મળ નગર સુધી કેનાલની સમકક્ષ ₹15 લાખના ખર્ચે નવો રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આ રોડથી વિસ્તારનો વિકાસ થશે અને વાહનચાલકો તેમજ રાહદારીઓને વધુ સુવિધા મળશે, તેમ નગરપાલિકાએ જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ