
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.)પાટણમાં આરોગ્ય વિભાગમાંથી નિવૃત થયેલા 65 વર્ષીય હરેશ વાડીલાલ પટેલ સાથે ₹67 લાખની સાયબર ઠગાઈનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ઠગબાજોએ તેમને આધાર કાર્ડના દુરુપયોગ અને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાનો ડર બતાવી ‘ડિજિટલ એરેસ્ટ’ કરી છેતરપિંડી કરી હતી. આ મામલે પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
2 જાન્યુઆરીના રોજ હરેશભાઈને રવિ શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યો, જેણે પોતાને ટેલિકોમ વિભાગનો અધિકારી બતાવ્યો હતો. તેણે આધાર કાર્ડ પરથી લેવાયેલા સિમ કાર્ડ દ્વારા અશ્લીલ વીડિયો મોકલાતા હોવાનો આરોપ મૂક્યો અને હરેશભાઈને ગભરાવ્યા હતા.
પછી એક અન્ય ઠગબાજે પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાંચના IPS જય પ્રભાકરણ ચુગલ તરીકે ઓળખ આપી વોટ્સએપ વીડિયો કોલ કર્યો. તેણે મની લોન્ડરિંગ કેસમાં પકડાયેલા નરેશ ગોહિલના ઘરે હરેશભાઈના નામનું ATM કાર્ડ મળ્યું હોવાનો દાવો કર્યો અને નકલી કોર્ટ તથા જજ બતાવી વિશ્વાસમાં લીધો.
ઠગબાજોએ હરેશભાઈને 7 દિવસ સુધી ‘ડિજિટલ એરેસ્ટ’માં રાખી, ફાઈનાન્સિયલ ચકાસણીના બહાને નાણાં સરકારી ખાતામાં જમા કરાવવાનો દબાણ કર્યો. 6 થી 9 જાન્યુઆરી દરમિયાન હરેશભાઈએ વિવિધ બેંક ખાતાઓમાંથી કુલ ₹67 લાખ એક્સિસ અને ICICI બેંકના ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા.
11 જાન્યુઆરીએ ફેસબુક પર સમાન ઠગાઈનો વીડિયો જોતા હરેશભાઈને છેતરપિંડીનો અહેસાસ થયો. તેમણે તરત જ સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કર્યો અને પાટણ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ