માર્ગ સલામતી માસ-2026 અંતર્ગત રાજપીપલાની વડીયા પ્રાથમિક શાળામાં સલામત ઉત્તરાયણ પર્વ સલામતી કાર્યક્રમ
- ARTO કચેરી રાજપીપલા દ્વારા કાર્યક્રમ યોજી રાહવીર યોજનાની સમજૂતી આપતો પતંગ બાળકોને વિતરણ કરાયો રાજપીપલા, 13 જાન્યુઆરી (હિ.સ.) નર્મદા જિલ્લામાં તેમજ સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માસ-2026ની ઉજવણી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજપીપલા એઆરટીઓ કચેરી
માર્ગ સલામતી માસ-2026 અંતર્ગત રાજપીપલાની વડીયા પ્રાથમિક શાળામાં સલામત ઉત્તરાયણ પર્વ સલામતી કાર્યક્રમ


- ARTO કચેરી રાજપીપલા દ્વારા કાર્યક્રમ યોજી રાહવીર યોજનાની સમજૂતી આપતો પતંગ બાળકોને વિતરણ કરાયો

રાજપીપલા, 13 જાન્યુઆરી (હિ.સ.) નર્મદા જિલ્લામાં તેમજ સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી માસ-2026ની ઉજવણી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજપીપલા એઆરટીઓ કચેરી દ્વારા નાંદોદ તાલુકાની વડીયા પ્રાથમિક શાળા ખાતે “સલામત ઉત્તરાયણ”ની થીમ સાથે માર્ગ સલામતી અને રાહવીર યોજનાની માહિતી આપતો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી તથા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમ દરમિયાન એઆરટીઓ કચેરી રાજપીપલા દ્વારા રાહવીર યોજનાની સમજ આપતા પતંગ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા, જેના માધ્યમથી સલામત ઉત્તરાયણ તેમજ માર્ગ સલામતીનો સંદેશ બાળકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

રાહવીર યોજના અંગે વિસ્તૃત માહિતી આપતા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમલમાં મુકાયેલી રાહવીર યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડનાર વ્યક્તિને સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે. કોઈપણ નાગરિક જો અકસ્માત સ્થળે ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલ સુધી પહોંચાડે તો તેને રૂપિયા 25000નું રોકડ ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. આ યોજના હેઠળ મદદ કરનાર વ્યક્તિને કોઈપણ પ્રકારની કાનૂની કાર્યવાહી કે પોલીસ હેરાનગતિનો ભય રહેતો નથી. કલેક્ટરએ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે માનવતાના નાતે સમયસર મદદ કરવાથી અનેક કિંમતી જીવ બચાવી શકાય છે.

પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ મૃત્યુ માથાની ઈજાના કારણે થાય છે, તેથી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું અત્યંત આવશ્યક છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના માતા-પિતા, ભાઈ-બહેન તથા આસપાસના નાગરિકોને હેલ્મેટનો નિયમિત ઉપયોગ કરવા માટે પ્રેરણા આપવાની અપીલ કરી હતી. સાથે જ, ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી અકસ્માતો અટકાવી શકાય છે તે બાબતે ભાર મૂક્યો હતો.

એઆરટીઓ નિમિષા પંચાલે વિદ્યાર્થીઓને ટ્રાફિક સિગ્નલ, ઝેબ્રા ક્રોસિંગ, સ્પીડ મર્યાદા, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ સહિત માર્ગ સલામતીના નિયમોની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બાળકો આજથી જ માર્ગ સલામતીના દૂત બની પોતાના વાલીઓ અને સમાજ સુધી આ સંદેશ પહોંચાડે તે જરૂરી છે.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય કિરણ વસાવા, વડીયા ગ્રામ પંચાયતના સરપંચ બિંદિયા વસાવા, અગ્રણી અજીત પરીખ, તાલુકા શિક્ષણાધિકારી, ગામના અગ્રણીઓ, શાળાના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande