

પાટણ,13 જાન્યુઆરી (હિ.સ.) સિદ્ધપુરમાં જાણીતા ગાંધીવાદી કાર્યકર રમીલા ગાંધીનું નિધન થતા સમગ્ર પંથકમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. તેમણે જીવનભર સાદગી, અહિંસા અને સ્વાવલંબન જેવા ગાંધીવાદી મૂલ્યોને આત્મસાત કરી યોગાંજલિ આશ્રમ દ્વારા સમાજસેવાનું કાર્ય કર્યું હતું. તેમના કાર્યથી અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું હતું.
આજે બપોરે 2:00 કલાકે યોગાંજલિ આશ્રમથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, અનુયાયીઓ અને શુભેચ્છકો જોડાયા હતા. યાત્રા દેથળી ચાર રસ્તા, રેલવે અન્ડરબ્રિજ, રેલવે સ્ટેશન, જુના ટાવર, સિવિલ હોસ્પિટલ રોડ અને જુના ગંજ બજાર જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.
અંતિમયાત્રા સરસ્વતી મુક્તિધામ પહોંચ્યા બાદ રમીલાબેન ગાંધીના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો હતો. તેમના નિધન પર સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ ઊંડું દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ