
પાટણ, 13 જાન્યુઆરી (હિ.સ.) પાટણમાં ‘મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ‘વેદાંતની સિંહગર્જના’ વિષય પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં સ્વ. કિર્તીકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી યોજાયો હતો.
કાર્યક્રમમાં સિદ્ધપુરના વતની અને સંઘ પ્રચારક વિદ્વાન વક્તા રમેશ જોષીએ પ્રવચન આપ્યું હતું. તેમણે 12 જાન્યુઆરી 1863ના રોજ સ્વામી વિવેકાનંદના જન્મથી લઈને તેમના જીવનના મહત્વના પ્રસંગોનું સંક્ષિપ્ત પરંતુ પ્રભાવશાળી વર્ણન કર્યું હતું.
વક્તાએ વિવેકાનંદના બાળપણમાં મળેલા આધ્યાત્મિક અને સંસ્કારલક્ષી વારસા, 1863થી 1884 દરમિયાનના વિદ્યાભ્યાસ, પુસ્તકો પ્રત્યેના પ્રેમ અને તેમની પ્રખર બૌદ્ધિક શક્તિ વિશે માહિતી આપી હતી. તેમજ 1884થી 1888 દરમિયાન ગુરુ રામકૃષ્ણ પરમહંસ સાથેના પ્રસંગો અને તેમના ઉપદેશોના પ્રચારની ચર્ચા કરી હતી.
રમેશભાઈ જોષીએ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદજીએ ગુરુજીના ‘શિવત્વના ભાવથી સેવા’ના ઉપદેશને જીવનમાં ઉતાર્યો હતો. 1888થી 1892 દરમિયાન ભારતભ્રમણ કરીને દેશની પરિસ્થિતિ સમજ્યા બાદ તેમણે હિન્દુ સમાજનું સાચું દર્શન વિશ્વ સમક્ષ રજૂ કરવાનો સંકલ્પ કર્યો હતો, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ 11 સપ્ટેમ્બર 1893ના શિકાગો ધર્મસંસદમાં મળ્યું હતું.
તેમણે દેશ-વિદેશમાં વેદાંતનો પ્રચાર કરી નિર્ભયતા, સહિષ્ણુતા અને પ્રેમનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં મનુ પટેલ, દિનેશ પ્રજાપતિ, વાલજી ચૌધરી, કુલદીપ લોહાણા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો પરિચય નગીનભાઈ અને જ્યોતિન્દ્રભાઈએ આપ્યો હતો તથા આભારવિધિ મહાસુખ મોદીએ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ