
વલસાડ, 13 જાન્યુઆરી (હિ.સ.) મકરસંક્રાતિ એક પ્રાચીન તહેવાર છે, જે ભારતનાં વિવિધ પ્રદેશોમાં અલગ - અલગ નામથી ઉજવવામાં આવે છે. જે સ્થાનિક રીત રિવાજો અને કૃષિ પધ્ધતિઓનું મહત્વ દર્શાવે છે. આરોગ્યની દ્રષ્ટિએ મકરસંક્રાતિનો હેતુ માનવ શરીર અને સ્વાસ્થ્ય પર ઋતુ પરિવર્તનનાં પ્રભાવને દર્શાવે છે.
આયુર્વેદની દ્રષ્ટિએ ઋતુ પરિવર્તનનો એક મહત્વપૂર્ણ પર્વ એટલે મકરસંક્રાંતિ. આ તહેવાર શિશિર ઋતુ (શિયાળાના અંત) થી વસંત ઋતુમાં પરિવર્તનને દર્શાવે છે તેને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. જે અંગે વિસ્તૃત માહિતી પુરી પાડતા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ ઉર્વી સી. પટેલ જણાવે છે કે, આયુર્વેદ ઋતુચર્યા અથવા ઋતુગત શાસનમાં આ સંક્રાંતિ મહત્વપૂર્ણ છે. આયુર્વેદ અનુસાર, શિશિર (શિયાળો) દરમિયાન માનવ શરીરમાં કફનો સંચય થાય છે પરંતુ વસંત ઋતુ આવતાની સાથે સુર્યનાં ગરમ કિરણો સંચિત કફને પ્રવાહી બનાવે છે, જેના કારણે શ્વસનરોગો અને ત્વચાનાં રોગોની સમસ્યાઓ થઈ શકે છે. પરંપરાગત વાનગીઓ સ્વાસ્થ્યનું પ્રતિક છે. તલ, શેરડી વગેરે કફ દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે. આથી બદલાતી ઋતુમાં આયુર્વેદ શાસ્ત્રોમાં દર્શાવેલી યોગ્ય ઋતુચર્યાને અપનાવવી જોઈએ. યોગ્ય ઋતુચર્યા શરીરને બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિઓમાં અનુકૂલન કરવામાં મદદ કરે છે અને બીમારી થવાનું જોખમ ઘટાડીને આપણા શરીરને નિરોગી રાખે છે.
મકરસંક્રાતિ દરમિયાન સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા આહાર સ્વાસ્થ્ય માટે ચોક્કસ લાભકારી છે. જે અંગે માહિતી આપતા પારડી તાલુકાના મેડિકલ ઓફિસર ડો. હેમિલ ડી. પટેલ જણાવે છે કે, તલ ઉષ્ણ (ગરમ શક્તિ), કેશ્ય (વાળનાં વિકાસને પ્રોત્સાહન આપે છે) અને બલ્ય (શક્તિ પ્રદાન કરે છે.) આ ઋતુમાં તેલયુક્ત તલનું સેવન કરવાથી આંતરિક સ્નિગ્ધતા અને શરીરની ગરમી ઉત્પન્ન થાય છે, આમ, વસંતમાં કફ દોષની તીવ્રતા અટકાવે છે. ગોળ મીઠો હોય છે અને તેમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે, આ ઋતુમાં તેનું સેવન કરવાથી વાત દોષ દુર થાય છે. શિયાળા દરમિયાન પાચન શક્તિ મજબુત હોય છે, તેથી આ સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાથી ભૂખ લાગતી નથી.
આ તહેવાર પછીનો સમયગાળો પંચકર્મ ઉપચાર માટે આદર્શ છે, ખાસ કરીને વમન (ઉપચારાત્મક ઉલટી). ઘણાં લોકો ઉપવાસ રાખે છે, જે સંચિત થયેલાં કફને ઓછો કરવામાં મદદ કરે છે. મોસમ આધારિત આ તમામ તૈયારીઓ શરીરને આગામી સંક્રમણ સાથે સુમેળ સાધવામાં મદદ કરે છે અને એકંદરે સ્વાસ્થ્યને લાભ આપે છે. તો ચાલો, આપણે સૌ મકરસંક્રાંતિ પર્વથી આયુર્વેદિક પ્રણાલી અપનાવી સ્વસ્થ રહી ઋતુ પરિવર્તનનો આનંદ માણીએ.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે