
અમદાવાદ,13 જાન્યુઆરી (હિ.સ.) બુધવારે ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસની પતંગ રસિયાઓ રાહ જોઈને બેઠા હોય છે. જો 14 અને 15મી જાન્યુઆરીએ પવન સારો હોય તો પર્વની મજા આવી જાય છે અને જો પવન સારો ન હોય તો આખી મજા બગડી જાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ઠંડીનું જોર ઘટતું જોવા મળશે. જોકે આગામી 24 કલાક બાદ ફરી એકવાર તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ હાલમાં નીચલા સ્તરે ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો પ્રવર્તી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેના કારણે ઠંડીમાં સામાન્ય રાહત મળી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. સામાન્ય તાપમાનની તુલનામાં કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન નોંધપાત્ર રીતે નીચું રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તે સામાન્ય કરતાં ઓછું નોંધાયું છે. બીજી તરફ દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે.
24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. ત્યારબાદના બે દિવસ દરમિયાન ફરી 2થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે, જેના કારણે રાજ્યમાં ફરી ઠંડીનું પ્રમાણ વધશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આશરે 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ગઈકાલે શહેરમાં મહત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ