
સુરત, 14 જાન્યુઆરી (હિ.સ.)-સુરત શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ, 14 અને 15 જાન્યુઆરીના રોજ શહેરના અંદાજે 125 ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પતંગના દોરાના કારણે કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તહેવાર દરમિયાન ઓવરબ્રિજ પર પતંગના દોરા આવવાની શક્યતા વધુ રહે છે, જેના કારણે અગાઉ અનેક અકસ્માતો સર્જાયા છે. આ જોખમને ધ્યાનમાં રાખીને તાપી નદીના મોટા બ્રિજ સિવાયના તમામ ઓવરબ્રિજ ટુ-વ્હીલર માટે બંધ રહેશે. આ દરમિયાન ટુ-વ્હીલર ચાલકોને બ્રિજની નીચે આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડશે. ફોર-વ્હીલર વાહનો માટે ઓવરબ્રિજ ખુલ્લા રહેશે.
જાહેરનામામાં છૂટછાટ પણ આપવામાં આવી છે. જે ટુ-વ્હીલર ચાલકોએ પોતાના વાહનમાં આગળના ભાગે ‘સેફ્ટી ગાર્ડ’ લગાવેલા હશે, તેઓને પ્રતિબંધમાંથી મુક્તિ મળશે. ઉપરાંત, તાપી નદી પર આવેલા મોટા બ્રિજ પરથી ટુ-વ્હીલર પસાર થઈ શકશે, પરંતુ ત્યાં પણ ખાસ તકેદારી રાખવાની રહેશે.
આ આદેશના અમલીકરણ માટે શહેરના તમામ ઓવરબ્રિજ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બ્રિજના ચઢાણ અને ઉતરાણના સ્થળોએ પોલીસ કર્મચારીઓ સતત મોનિટરિંગ કરશે. નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દંડ વસૂલવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે નિયમોનું કડક પાલન કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે