
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અઘાર ગામે જૂની અદાવત અને રસ્તા પર અવરજવરના મુદ્દે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી. ઘટનામાં બંને પક્ષે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સામસામે ફરિયાદો નોંધાવતાં પોલીસે કુલ 14 વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રથમ ફરિયાદ અલ્પેશજી ઉર્ફે ટીનાજી વાઘેલાએ નોંધાવી હતી. અગાઉ મનદુઃખના કારણે થયેલા ઝઘડામાં પ્રવિણજી ઠાકોરે તેમના પિતાને લાકડી મારતાં પરિવાર ઠપકો આપવા ગયો હતો. તે સમયે ભારતસંગ વદનજી ઠાકોર સહિત સાત શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ધારીયા, લાકડી અને ખીલાસરી જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં અલ્પેશજીના માથામાં લાકડીના ફટકા તેમજ હાથ-પગમાં ધારીયાના ઘા વાગતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. અન્ય પરિવારજનોને પણ મારમાર થયો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સામા પક્ષે ભારતસંગ વદનજી સોલંકીએ વળતી ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે ચંદુજીના પરિવારના સાત શખ્સો તલવાર અને ખીલાસરી જેવા હથિયારો લઈને તેમના ઘરે ઘૂસ્યા હતા અને ભારતસંગ તથા તેમના પુત્ર પ્રવિણજીને માથામાં ઘા મારી, જ્યારે પુત્ર રજુજીને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સરસ્વતી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ