
અમરેલી, 15 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે. અમરેલી જિલ્લોના સાવરકુંડલા તાલુકોમાં આવેલ કરજાળા ગામ એ જિલ્લાનો એકમાત્ર એવો ગામ બન્યું છે, જ્યાં પરંપરાગત દેશી રાબડા પદ્ધતિથી દેશી ગોળ તૈયાર કરવામાં આવે છે. અહીંના ખેડૂતો શેરડીનું સીધું વેચાણ કરવાને બદલે તેના પાકનું મૂલ્યવર્ધન કરી ગોળ બનાવે છે અને ગુજરાતભરમાં તેનું વેચાણ કરી હજારો રૂપિયા આવક મેળવી રહ્યા છે.
કરજાળા ગામમાં પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી પર ખાસ ભાર મૂકવામાં આવે છે. કોઈ રસાયણિક ખાતર કે ઝેરી દવાઓ વિના ઉગાડેલી શેરડીમાંથી તૈયાર થતો દેશી ગોળ સ્વાદ, સુગંધ અને પોષક તત્વોમાં વિશિષ્ટ ગણાય છે. પરંપરાગત દેશી રાબડા દ્વારા ગોળ બનાવવાની પ્રક્રિયા આજે પણ જીવંત રાખવામાં આવી છે, જે ગામની ઓળખ બની ગઈ છે.
આ સફળતાના કેન્દ્રમાં ખેડૂત ધીરુભાઈ શિરોયા છે. તેમણે જણાવ્યું કે તેમનો અભ્યાસ માત્ર ધોરણ 10 સુધીનો છે, પરંતુ ખેતી પ્રત્યેનો લગાવ અને નવી દિશામાં વિચારવાની ક્ષમતાએ તેમને સફળ બનાવ્યા છે. ધીરુભાઈ પોતાના 3 વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી શેરડીનું વાવેતર કરે છે. પહેલાં શેરડી સીધી વેચવામાં આવતી હતી, જેમાં નફો સીમિત હતો. પરંતુ બાદમાં તેમણે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનો નિર્ણય લીધો.
શેરડી કાપ્યા બાદ દેશી રાબડા પદ્ધતિથી રસ કાઢવામાં આવે છે અને મોટા કડાહામાં ધીમા તાપે ઉકાળી શુદ્ધ ગોળ તૈયાર થાય છે. આ પ્રક્રિયામાં કોઈ કેમિકલ કે રંગનો ઉપયોગ થતો નથી, જેથી ગોળ સંપૂર્ણપણે કુદરતી રહે છે. દર વર્ષે અંદાજે 150 મણથી વધુ દેશી ગોળનું ઉત્પાદન થાય છે.
તૈયાર થતો દેશી ગોળ પ્રતિ કિલો રૂ. 90 ના ભાવે વેચવામાં આવે છે. આ ગોળની માંગ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં છે. આરોગ્યપ્રેમી લોકો અને ઓર્ગેનિક ખોરાક પસંદ કરનાર ગ્રાહકોમાં કરજાળા ગામના ગોળની ખાસ ઓળખ બની છે.
આ રીતે દર વર્ષે 3 લાખ રૂપિયાથી વધુના ગોળનું વેચાણ કરી ખેડૂત નોંધપાત્ર આવક મેળવે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ આવક સીધી ખેતીમાંથી અને પોતાના ઉત્પાદનના મૂલ્યવર્ધનથી પ્રાપ્ત થાય છે, જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે.
કરજાળા ગામનું આ ઉદાહરણ સાબિત કરે છે કે પ્રાકૃતિક ખેતી, પરંપરાગત જ્ઞાન અને નવી વિચારધારા સાથે જો ખેતી કરવામાં આવે, તો નાના ખેડૂત પણ આત્મનિર્ભર બની શકે છે. અમરેલી જિલ્લાના ખેડૂતો માટે દેશી ગોળનું આ મોડેલ આવનારા સમયમાં નવી આશા અને નવી દિશા દર્શાવતું બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai