
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરમાં એક મહિલાએ પતિ, સાસુ અને બે કાકા સસરા સામે શારીરિક હિંસા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિના ત્રાસ અંગે સાસુને રજૂઆત કરાતા સાસરિયાઓ ઉશ્કેરાઈ ગયા અને લાકડાના ધોકા તથા ગડદાપાટુ વડે માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિછુખાડ શિવનગર સોસાયટીમાં રહેતી 27 વર્ષીય પાયલબેન પટણીએ ફરિયાદ નોંધાવી છે. તેમના લગ્ન સાત વર્ષ પહેલા કલ્પેશકુમાર સુરેશભાઈ પટણી સાથે થયા હતા. પતિના ત્રાસથી કંટાળીને પાયલબેન બે દિવસથી પિયર ગયા હતા. 14 જાન્યુઆરી 2026ના રોજ પતિ કલ્પેશકુમાર પાયલબેનના પિયરમાં પહોંચ્યો હતો. ત્યાંથી જવા કહ્યું છતાં ન માનતા, પાયલબેન માતા-પિતા સાથે કૃષ્ણનગર સોસાયટીમાં કાકા સસરાના ઘરે સાસુ ગીતાબેનને રજૂઆત કરવા ગયા હતા, જ્યાં બોલાચાલી શરૂ થઈ હતી. આ દરમિયાન પતિ કલ્પેશકુમારે પત્નીના હાથ પર લાકડાનો ધોકો ફટકારી ગડદાપાટુનો માર માર્યો હતો. બાદમાં સાસુ ગીતાબેન અને કાકા સસરા સંજયભાઈ તથા મહેશભાઈ પટણીએ પણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત પાયલબેને સારવાર લીધા બાદ પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ મથકે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ