અમરેલીના આંબા ગામે વિદેશી ‘નોની ફ્રુટ’થી ખેતીમાં ક્રાંતિ: 1 કિલોનો ભાવ 1500થી 2000 રૂપિયા
અમરેલી, 15 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામમાં પ્રાકૃતિક ખેતી અપનાવી એક અનોખી સફળતા સામે આવી છે. અહીંના ખેડૂત જયસુખભાઈ માંડાણી પરંપરાગત ખેતીથી આગળ વધી પાકનું મૂલ્યવર્ધન કરીને ઉત્તમ આવક મેળવી રહ્યા છે. ખાસ વાત એ છે કે તેમ
અમરેલીના આંબા ગામે વિદેશી ‘નોની ફ્રુટ’થી ખેતીમાં ક્રાંતિ: 1 કિલોનો ભાવ 1500થી 2000 રૂપિયા


અમરેલી, 15 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામમાં પ્રાકૃતિક ખેતી અપનાવી એક અનોખી સફળતા સામે આવી છે. અહીંના ખેડૂત જયસુખભાઈ માંડાણી પરંપરાગત ખેતીથી આગળ વધી પાકનું મૂલ્યવર્ધન કરીને ઉત્તમ આવક મેળવી રહ્યા છે. ખાસ વાત એ છે કે તેમણે વિદેશી મૂળના ‘નોની ફ્રુટ’ના વૃક્ષો ઉછેરી આજે તેમાંથી નોંધપાત્ર કમાણી શરૂ કરી છે.

જયસુખભાઈ જણાવે છે કે તેઓ આંબા ગામે રહે છે અને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે છે. વર્ષ 2015માં તેમણે પ્રથમ વખત ‘નોની ફ્રુટ’નું એક વૃક્ષ લાવી વાવેતર કર્યું હતું. નોની એક આફ્રિકન મૂળનું ફળ છે, જેને ઉષ્ણ હવામાન અનુકૂળ આવે છે. ખાસ કરીને 35 ડિગ્રી સુધીના તાપમાનમાં આ ફળ સારું વિકાસ કરે છે, જે સૌરાષ્ટ્રના હવામાન માટે ખૂબ જ યોગ્ય સાબિત થયું છે.

આજે તેમના ખેતરમાં કુલ ત્રણ નોનીના વૃક્ષો છે. દરેક વૃક્ષ સરેરાશ 20 કિલો કરતાં વધુ ઉત્પાદન આપે છે. આ રીતે મર્યાદિત જગ્યા અને ઓછા ખર્ચે પણ સારું ઉત્પાદન મળી રહે છે. સૌથી મહત્વની વાત એ છે કે નોની ફ્રુટનો બજાર ભાવ ખૂબ ઊંચો છે. હાલમાં નોની ફ્રુટનો 1 કિલોગ્રામ ભાવ 1500થી 2000 રૂપિયા સુધી મળે છે, જે ખેડૂતો માટે અત્યંત લાભદાયી છે.

નોની ફ્રુટ માત્ર ભાવમાં જ નહીં પરંતુ તેના ઔષધીય ગુણો માટે પણ જાણીતું છે. જયસુખભાઈ જણાવે છે કે નોની ફળ લગભગ 150થી વધુ રોગોમાં ઉપયોગી માનવામાં આવે છે. ખાસ કરીને કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેનો વિશેષ ફાયદો થાય છે. આ કારણોસર આરોગ્યક્ષેત્રમાં નોનીની માંગ સતત વધી રહી છે.

માત્ર કાચું ફળ વેચવાથી આગળ વધી, જયસુખભાઈએ પાકનું મૂલ્યવર્ધન કરવાની દિશામાં પણ પહેલ કરી છે. તેઓ પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલા નોની ફળમાંથી જાતે જ નોની જ્યુસ તૈયાર કરે છે. આ નોની જ્યુસનું 200 મિલીગ્રામ પેક તેઓ 280 રૂપિયામાં વેચે છે. સ્થાનિક બજારમાં અને ઓળખીતા ગ્રાહકોમાં આ જ્યુસની સારી માંગ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે મોટી કંપનીઓ દ્વારા બનાવવામાં આવતું નોની જ્યુસ બજારમાં 1 લીટર દીઠ 1500થી 3500 રૂપિયામાં વેચાય છે. જ્યારે ખેડૂત પોતે જ ઉત્પાદન, પ્રોસેસિંગ અને વેચાણ કરે તો મધ્યસ્થી ખર્ચ બચી જાય છે અને નફો સીધો ખેડૂતને મળે છે. આ મોડલ નાના અને મધ્યમ ખેડૂતો માટે ખૂબ પ્રેરણાદાયક છે.

આંબા ગામના જયસુખભાઈ માંડાણીની આ સફળતા બતાવે છે કે પરંપરાગત પાકોની મર્યાદાથી બહાર આવીને જો વૈકલ્પિક અને ઊંચી કિંમતવાળા પાક અપનાવવામાં આવે, તો ખેતી ફરીથી નફાકારક બની શકે છે. અમરેલી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ નોની ફ્રુટ જેવી વિશેષ ખેતી નવી દિશા અને નવી આશા પૂરું પાડી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande