પરંપરાગત ખેતીને અલવિદા: અમરેલીના યુવા ખેડૂતોએ બાગાયતી ખેતીથી લાખોની આવકનો માર્ગ ખોલ્યો
અમરેલી, 15 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લોના ગ્રામિણ વિસ્તારોમાં ખેતીનું ચિત્ર હવે ઝડપથી બદલાઈ રહ્યું છે. વર્ષોથી ચાલતી પરંપરાગત ખેતી જેમ કે કપાસ અને મગફળીમાંથી ખેડૂતોને અપેક્ષિત ઉત્પાદન અને યોગ્ય ભાવ ન મળતા, ખાસ કરીને યુવા ખેડૂતો હવે નવી દિશામાં
પરંપરાગત ખેતીને અલવિદા: અમરેલીના યુવા ખેડૂતોએ બાગાયતી ખેતીથી લાખોની આવકનો માર્ગ ખોલ્યો


અમરેલી, 15 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લોના ગ્રામિણ વિસ્તારોમાં ખેતીનું ચિત્ર હવે ઝડપથી બદલાઈ રહ્યું છે. વર્ષોથી ચાલતી પરંપરાગત ખેતી જેમ કે કપાસ અને મગફળીમાંથી ખેડૂતોને અપેક્ષિત ઉત્પાદન અને યોગ્ય ભાવ ન મળતા, ખાસ કરીને યુવા ખેડૂતો હવે નવી દિશામાં આગળ વધી રહ્યા છે. રોકડિયા પાક અને બાગાયતી ખેતી તરફ વળવાની વૃત્તિ વધી રહી છે અને તેના પરિણામે ખેડૂતોને લાખો રૂપિયાની આવક થવા લાગી છે.

ખાસ કરીને કરજાળા ગામ (સાવરકુંડલા તાલુકો)ના યુવા ખેડૂતોએ કેળાની ખેતી અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરંપરાગત ખેતીમાં વધતા ખર્ચ, અનિશ્ચિત હવામાન અને બજારમાં ભાવની અસથિરતા જેવા પ્રશ્નોથી ખેડૂતો કંટાળી ગયા હતા. આવી સ્થિતિમાં બાગાયતી પાકોમાં ખર્ચની સામે વધુ ઉત્પાદન અને યોગ્ય ભાવ મળતા હોવાને કારણે ખેતી નફાકારક બની રહી છે.

કરજાળા ગામના યુવા ખેડૂત નૈમિષ ત્રિવેદી જણાવે છે કે તેમણે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે જાણકારી મેળવીને ખેતીમાં નવતર પ્રયોગ કર્યો છે. હાલ તેઓ 15 વીઘા જમીનમાં કેળાનું વાવેતર કરી રહ્યા છે. નૈમિષભાઈના જણાવ્યા મુજબ, એક વીઘામાં કેળાની ખેતી માટે અંદાજે 50 હજારથી 60 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે. તેમાં રોપણી, ખાતર, સિંચાઈ અને સંભાળનો ખર્ચ સમાવેશ થાય છે. પરંતુ આ ખર્ચ સામે મળતું ઉત્પાદન ખેડૂતોને આત્મવિશ્વાસ આપે એવું છે. એક વીઘામાં સરેરાશ 1400 મણ જેટલું કેળાનું ઉત્પાદન મળે છે. બજારમાં સામાન્ય રીતે 200 રૂપિયા પ્રતિ મણ ભાવ મળતા, એક વીઘામાંથી બે લાખ રૂપિયાથી વધુની આવક શક્ય બને છે. જો રોગ-જીવાતનો પ્રકોપ ન આવે અને બજારમાં ભાવ સારો રહે, તો નફો વધુ પણ થઈ શકે છે.

નૈમિષભાઈ કહે છે કે, “કેળાની ખેતીમાં મહેનત અને મજૂરી પરંપરાગત પાકોની સરખામણીએ ઓછી પડે છે. યોગ્ય માર્ગદર્શન અને સમયસર ખેતી કરવાથી ઉત્પાદન સારું મળે છે. સૌથી મોટો ફાયદો એ છે કે આવક નિશ્ચિત અને સંતોષકારક રહે છે.” આ કારણે તેમણે કેળાની ખેતીને પસંદ કરી છે અને આગામી વર્ષોમાં પણ આ ખેતીમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મળશે તેવી તેમને પૂરી આશા છે.

અમરેલી જિલ્લાના અનેક યુવા ખેડૂતોએ હવે બાગાયતી પાકો જેમ કે કેળું, પપૈયું, દાડમ અને કેસર કેરી તરફ વળવાનું શરૂ કર્યું છે. સરકારની યોજનાઓ, ખેતી માર્ગદર્શન અને બજારની માંગને ધ્યાનમાં રાખી લેવામાં આવેલા આ નિર્ણયો ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યા છે. પરંપરાગત ખેતીમાંથી બહાર આવી આધુનિક અને નફાકારક ખેતી અપનાવવાથી યુવા ખેડૂતો આત્મનિર્ભર બની રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ નવી દિશા બતાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande