
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ તાલુકાના હાજીપુર ગામના બસ સ્ટેન્ડ નજીક પૂરઝડપે આવેલી કારની ટક્કરમાં 11 વર્ષની બાળકીનું મોત થયું છે. અકસ્માત સર્જી હ્યુન્ડાઇ i10 કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મૃતક બાળકી સોનલબેન દિવાનજી ઠાકોર હતી, જે હિના ગૃહ ઉદ્યોગના ગોડાઉન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા દિવાનજી શિવાજી ઠાકોરની પુત્રી હતી. મૂળ રૂની ગામની વતની સોનલબેન 14 જાન્યુઆરી 2026ના રોજ બપોરે હાજીપુર બસ સ્ટેન્ડ પાસે રોડ ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન GJ-02-CL-8394 નંબરની હ્યુન્ડાઇ i10 કારના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી બાળકીને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત સોનલબેનને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ સોનલબેનને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પિતા દિવાનજી ઠાકોરે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે B.N.S.S ની કલમ 106(1), 281 અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી ફરાર કાર ચાલકને પકડવા તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ