
નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.) આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ
મંત્રાલયે, આંકડાશાસ્ત્ર ક્ષેત્રમાં 'સુખાત્મે રાષ્ટ્રીય પુરસ્કાર 2026' માટે, ઓનલાઈન
નામાંકન પ્રક્રિયા શરૂ કરી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય, આંકડાશાસ્ત્ર ક્ષેત્રમાં
નવીનતાને પ્રોત્સાહન આપવાનો અને રાષ્ટ્રીય સ્તરે નિષ્ણાતોના યોગદાનને ઓળખવાનો છે.
શુક્રવારે મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક પ્રકાશન અનુસાર,”આ પુરસ્કાર 29 જૂન, 2026 ના રોજ 'આંકડાશાસ્ત્ર
દિવસ' ઉજવણી દરમિયાન
રજૂ કરવામાં આવશે. પુરસ્કાર સમારોહ દરમિયાન, પુરસ્કાર વિજેતાને એક ખાસ સત્રને સંબોધવા માટે પણ આમંત્રિત
કરવામાં આવશે, જ્યાં તેઓ તેમના સંશોધન કાર્યના મહત્વ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડશે.”
રસ ધરાવતા પાત્ર ઉમેદવારો, પોતાને નામાંકિત કરી શકે છે અથવા
વિવિધ સંસ્થાઓ દ્વારા તેમના નામ પ્રસ્તાવિત કરાવી શકે છે. તેઓએ 31 જાન્યુઆરી, 2026 સુધીમાં,
નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. અરજીઓ ફક્ત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ
દ્વારા જ ઓનલાઈન સ્વીકારવામાં આવશે.
45 વર્ષ અને તેથી
વધુ ઉંમરના ભારતીય આંકડાશાસ્ત્રીઓ અરજી કરવા પાત્ર છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, વિજેતાઓની પસંદગી
આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં તેમના ઉચ્ચ-ગુણવત્તાવાળા સંશોધન અને આંકડાકીય પ્રણાલીને
મજબૂત બનાવવામાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓના આધારે કરવામાં આવશે. પસંદ કરાયેલા
વિજેતાને પ્રશસ્તિપત્ર, શાલ અને
સ્મૃતિચિહ્ન પ્રાપ્ત થશે.
ઉલ્લેખનીય છે કે, 2000 માં શરૂ કરાયેલ આ પુરસ્કાર દર બીજા વર્ષે (દ્વિ વાર્ષિક)
આપવામાં આવે છે. આ પુરસ્કાર એવા પ્રખ્યાત ભારતીય આંકડાશાસ્ત્રીઓને આપવામાં આવે છે, જેમણે
સત્તાવાર આંકડાકીય પ્રણાલીને સુધારવામાં ઉત્કૃષ્ટ સંશોધન અને આજીવન યોગદાન આપ્યું
છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ