
નવી દિલ્હી, 16 જાન્યુઆરી (હિ.સ.): ગૃહમંત્રી અમિત શાહે, શુક્રવારે નવી દિલ્હીના સરાય કાલે ખાં ખાતે યમુના પૂરના મેદાનમાં દિલ્હી વિકાસ સત્તામંડળ (ડીડીએ) દ્વારા વિકસાવવામાં આવેલા બાંસેરાના ઘાસના મેદાનમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, તેમણે દિલ્હી સરકારને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઉત્સવને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ સમિતિ બનાવવા વિનંતી કરી.
અમિત શાહે, દિલ્હી સરકારને દિલ્હીને પતંગ ઉડાવવા માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે એક સમિતિ બનાવવા વિનંતી કરી. આ પહેલ ફક્ત સમગ્ર દેશને ઉત્સવ સાથે જોડશે નહીં, પરંતુ ભવિષ્યમાં દિલ્હીને આંતરરાષ્ટ્રીય પતંગબાજો માટે એક મુખ્ય આકર્ષણ તરીકે પણ સ્થાપિત કરશે.
બાંસેરાના સ્થળની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું, આજે, દેશમાં દરેક પ્રકારના વાંસ અહીં હાજર છે. આ સ્થળ એ હકીકતનો પુરાવો છે કે, જો કોઈ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સંકલ્પબદ્ધ હોય, તો આવા સુંદર પરિણામો પ્રાપ્ત થાય છે. તેમણે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ અને રાષ્ટ્રવ્યાપી ઉત્તરાયણ તહેવાર પર દેશવાસીઓને અભિનંદન આપ્યા અને કહ્યું કે, ભારતમાં તહેવારો સામાજિક એકતાનું એક શક્તિશાળી માધ્યમ છે.
ઇતિહાસને યાદ કરતા ગૃહમંત્રીએ, સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન દરમિયાન પતંગ ઉત્સવની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો, જે દેશભક્તિની ભાવનાઓ જગાડવાના સાધન તરીકે કામ કરતો હતો. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીના નાગરિકો માટે કુદરતી અને સુંદર સ્થળ પૂરું પાડવાનો અને પરંપરાગત રમતોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ આપવાનો છે. બાંસેરા હવે દિલ્હીવાસીઓ માટે એક મુખ્ય પર્યટન અને સાંસ્કૃતિક સ્થળ તરીકે વિકસિત થયો છે.
આ પ્રસંગે ગૃહમંત્રીની સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના, મુખ્યમંત્રી રેખા ગુપ્તા, મુખ્ય સચિવ રાજીવ વર્મા, ડીડીએના ઉપાધ્યક્ષ શ્રવણ કુમાર, તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ