
જૂનાગઢ, 02 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢ લોકશાહીના સૌથી મજબૂત આધારરૂપ મતદાર યાદીને વધુ પારદર્શક અને શુદ્ધ બનાવવા માટે ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–2025 અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અન્વયે જિલ્લામાં આવેલા તમામ મતદાન મથકો પર 3 અને 4 જાન્યુઆરી,2026 ના રોજ ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં પ્રસિદ્ધ કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 11,49,395 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે મૃત્યુ, ગેરહાજરી, કાયમી સ્થળાંતર, ડુપ્લીકેટ તથા અન્ય કારણોસર 1,50,949 મતદારોના નામ હાલ યાદીમાંથી દૂર રાખવામાં આવ્યા છે. મતદાર યાદી વધુ વિશ્વસનીય બને તે હેતુથી આ પ્રક્રિયા હાથ ધરાઈ છે.
આ દરમિયાન 7507 મતદારોએ ફોર્મ–6,7 અને 8 રજૂ કરી નામ દાખલ કરવાની અને વિગતો સુધારવાની તક ઝડપી હતી. સાથે જ ‘નો મેપિંગ’ કેટેગરીના મતદારોએ સ્વૈચ્છિક પણે નોટિસ તબક્કામાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના થતાં દસ્તાવેજ રજુ કર્યા હતા.
આગામી 3 અને 4 જાન્યુઆરી,2026 ના રોજ યોજાનારા કેમ્પોમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી દરેક મતદાન મથકે બીએલઓ હાજર રહેશે. કોઈપણ લાયક મતદાર મતદાર યાદીમાંથી વંચિત ન રહે અને મતદારોને એક જ સ્થળે ડ્રાફ્ટ મતદારયાદીમાં પોતાનું નામ જોઈ શકે, ASD( ગેરહાજર, સ્થળાંતર, મૃત્યુ)ની યાદી જોઈ શકે, નવા મતદારો ફોર્મ ભરી શકે જેવી વિવિધ સેવાઓ મળી રહે તેવા મુખ્ય ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મતદાર યાદી સંબંધિત હક્ક-દાવા તથા વાંધા અરજી કરવાની અંતિમ તારીખ 18 જાન્યુઆરી,2026 નક્કી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મતદારો ઉપરાંત માન્ય રાજકીય પક્ષોના બી.એલ.એ. દ્વારા પણ રજૂઆતો કરી શકાશે. લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે મતદારોને આ ખાસ કેમ્પોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ