અમરેલી તાલુકામાં મહિલા સરપંચની આગેવાનીમાં વિકાસની નવી દિશા
-ગિરિયા ગામમાં કરોડો રૂપિયાના કામોથી બદલાઈ રહી છે ગામની તસ્વીર અમરેલી,02 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી તાલુકાના ગિરિયા ગામમાં મહિલા સરપંચ તેજલબેન ડાભીની આગેવાની હેઠળ વ્યાપક વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ગામના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને છેલ્લા
અમરેલી તાલુકામાં મહિલા સરપંચની આગેવાનીમાં વિકાસની નવી દિશા


-ગિરિયા ગામમાં કરોડો રૂપિયાના કામોથી બદલાઈ રહી છે ગામની તસ્વીર

અમરેલી,02 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી તાલુકાના ગિરિયા ગામમાં મહિલા સરપંચ તેજલબેન ડાભીની આગેવાની હેઠળ વ્યાપક વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ગામના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને છેલ્લા સમયગાળામાં રૂ. 2 કરોડથી વધુના વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે, જેના કારણે ગામની મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.

તેજલબેન ડાભીએ જણાવ્યું કે ગિરિયા ગામમાં ખાસ કરીને સુવિધા પથ યોજના અંતર્ગત રૂ. 1.98 કરોડના ખર્ચે માર્ગ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત ગામના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓને સીસી રોડથી મજબૂત બનાવવામાં આવી રહ્યા છે, જેથી ગ્રામજનોને અવરજવર સુલભ બને અને વરસાદી ઋતુમાં કાદવ, ખાડા જેવી સમસ્યાઓથી મુક્તિ મળે. નવા અને મજબૂત રસ્તાઓના કારણે શાળા, આરોગ્ય કેન્દ્ર, બજાર અને ખેતીલાયક વિસ્તારો સુધી પહોંચ વધુ સરળ અને સુરક્ષિત બનશે.

આ સાથે જ ગામમાં અંદાજે રૂ. 35 લાખના ખર્ચે અન્ય વિકાસ કામો પણ કરવામાં આવ્યા છે. તેમાં ગટર વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા અને સ્ટ્રીટ લાઈટની કામગીરીનો સમાવેશ થાય છે. ગટર વ્યવસ્થા સુદૃઢ બનતાં સ્વચ્છતા વધશે અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો થશે. ઉપરાંત, સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવતા રાત્રિના સમયે ગામમાં સુરક્ષા વધશે અને અકસ્માતોની શક્યતા ઘટશે.

ગામમાં પીવાના પાણીની સુવિધા મજબૂત બનાવવા માટે નવી પાઈપલાઈન, પાણીના જોડાણો અને નિયમિત પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે ગ્રામજનોને હવે પાણી માટે દુર જવું નહીં પડે અને સમય તથા મહેનતની બચત થશે. વિકાસ કાર્યો દરમિયાન ગુણવત્તા અને સમયસર પૂર્ણતાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જેના માટે ગ્રામ પંચાયત દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે.

મહિલા સરપંચ તરીકે તેજલબેન ડાભીની સક્રિય ભૂમિકા અને દ્રઢ નેતૃત્વથી ગિરિયા ગામ વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. ગામમાં થતા આ કરોડો રૂપિયાના વિકાસ કાર્યો માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતા સીમિત નથી, પરંતુ ગ્રામજનોના જીવનસ્તર ઉંચું લાવવા અને ભવિષ્યમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande