
જૂનાગઢ, 02 જાન્યુઆરી (હિ.સ.)જૂનાગઢ નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણને આવકારવા માટે સૂર્યનમસ્કાર ધ્યાન સત્ર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે એન સી સી તથા એન એસ એસના વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
કોલેજના આચાર્ય ડો. જે. આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેઓએ વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કારનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આ 5000 વર્ષ જૂની ભારતીય પરંપરા માત્ર વ્યાયામ નથી, પરંતુ શરીર, મન અને આત્માને શુદ્ધ કરવાની એક પ્રક્રિયા છે. તેમ જણાવ્યું હતું.
ડિજિટલ જોડાણ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સવારે 7 કલાકે વર્ચ્યુઅલી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયા હતા. ઓનલાઇન માધ્યમથી મળેલ સૂચનાઓ મુજબ વિદ્યાર્થીઓએ વિવિધ સોપાન સાથે સૂર્યનમસ્કાર અને ધ્યાન ધર્યું હતું. નવા વર્ષના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ વ્યસનમુક્તિ, સ્વસ્થ જીવનશૈલી અને દિશાબદ્ધ કારકિર્દી ઘડવાનો સંકલ્પ લીધો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિર્દેશોનુસાર આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને અમલીકરણ ડો. મોહસીન આઝાદ કુરેશી અને ડો. દિનાન લોઢિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેનાર તમામ સહભાગીઓએ ઓનલાઇન લિંક પર રજિસ્ટ્રેશન કરી ઓનલાઇન સર્ટિફિકેટ મેળવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ આવવાની સાથે આધ્યાત્મિક ચેતનાનો પણ સંચાર થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે લોકો સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવે અને લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન પણ શરૂ કર્યું છે,
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ