નવા વર્ષમાં ટ્રાફિક નિયમો પાળવાનો પણ સંકલ્પ કરીએ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- 2026ની ઉજવણીનો પ્રારંભ
જૂનાગઢ, 02 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ ખાતેથી માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટે અને ટ્રાફિકના નિયમો પાળવા માટે લોકો પ્રેરિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ થયો છે. માર્ગ સલામ
નવા વર્ષમાં ટ્રાફિક નિયમો પાળવાનો પણ સંકલ્પ કરીએ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- 2026ની ઉજવણીનો પ્રારંભ


જૂનાગઢ, 02 જાન્યુઆરી (હિ.સ.) જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ ખાતેથી માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટે અને ટ્રાફિકના નિયમો પાળવા માટે લોકો પ્રેરિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ થયો છે. માર્ગ સલામતી કાર્યક્રમ- 2026 ની સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીથી સ્વામિનારાયણ મંદિર સુધી ટ્રાફિક નિયમોની અવેરનેસ પ્રસરાવવા રેલી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.

જિલ્લા કલેકટર અને જિલ્લા માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ આર.ટી.ઓ. તથા પોલીસ અને વેટરનરી કોલેજના એનએસએસ યુનિટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડે વિદ્યાર્થીઓને સમાજમાં ટ્રાફિકના નિયમો પાળવા માટે જાગૃતિ પ્રસરાવવા માટે સંદેશાવાહક બનવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમો પાળવા જરૂરી છે, ખાસ ખાસ રોજિંદા જીવનમાં ટ્રાફિકના નિયમોને અનુસરવા માટે એક હેબિટ ફોર્મેશન થાય તે પણ એટલું જ આવશ્યક છે, તેમણે લોકોની સલામતી માટે જરૂરી નિયમો પાળવા માટે સહકાર આપવા માટે પણ અપીલ કરી હતી.

રાહ-વીર યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, માર્ગ અકસ્માતનો ભોગ બનનાર લોકોના જીવનને બચાવવા માટે મદદરૂપ થનારને જાહેર સન્માન સાથે રૂ.25000 જેટલી રાશિથી પુરસ્કૃત પણ કરવામાં આવે છે. તેમ ઉમેર્યું હતું.

વેટરનરી કોલેજના આચાર્ય અને ડીન એસ. આર. ગડારીયાએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અનુસરવા માટે પ્રેરિત કરવા અને સમાજમાં ટ્રાફિક નિયમો અંગે અવેરનેસ પ્રસરવવા માટે અપીલ કરી હતી. ઉપરાંત સારા નાગરિક બનવા માટે ટ્રાફિક નિયમો અનુસારવાની આદત કેળવાય તે પણ એટલી જ જરૂરી છે. વાહન ચાલકોની બેદરકારીથી નિર્દોષ રાહદારીઓ ભોગ ન બને તે માટે સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી ગણાવી હતી.

એઆરટીઓ એ.પી. પંચાલે જણાવ્યું હતું કે, મોટર વ્હીકલ એક્ટ ઉદ્દેશ માર્ગ સલામતીનો છે, માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે જનજાગૃતિ સાથે નિયમોની અમલવારી પણ એટલી જ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે, ટ્રાફિક નિયમોનું પાલન દંડથી બચવા માટે નહીં, પરંતુ લોકોના જીવનના રક્ષણ કરવા માટે છે. આ સાથે તેમણે ડ્રાઇવિંગમાં અતિ આત્મવિશ્વાસ જોખમરૂપ સાબિત થઈ શકે છે, જેથી કાળજીપૂર્વક વાહન ચલાવવું જરૂરી છે.

નાયબ પોલીસ અધિક્ષક એ. એસ. પટણીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માત માટે ટ્રાફિકના નિયમો અનુસારવાની સાથે વ્હીકલની જાળવણી રાખવી જરૂરી છે, જેથી વાહનમાં કોઈ ક્ષતિથી અકસ્માત ન સર્જાય. ટ્રાફિક નિયમો અને નિયમન સમાજની સુરક્ષા માટે છે, રાજ્ય સરકારે પણ તે સંદર્ભે વિશેષ જાગૃતિ કેળવાય તે માટે પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે.

ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરએચ કે. હુંબલે વિદ્યાર્થીઓને નવા વર્ષમાં ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે પણ એક સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, 18 થી 45 ઉંમરની વય જૂથના લોકોના એટલે કે, વર્કિંગ અને યંગએજ લોકોના અકસ્માત થવાનું પ્રમાણ વધારે છે, તેનાથી પરિવારની સાથે દેશને પણ નુકસાન થાય છે, એક ભૂલથી જિંદગી ખોઈ બેસી એ તે વ્યાજબી નથી. પળવારની ભૂલથી માનવ જિંદગીને ગંભીર ઇજા થતી હોય છે. આ સાથે તેમણે ટ્રાફિકના નિયમો અનુસરી સાવચેતીપૂર્વક સેફ ડ્રાઇવિંગ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.આરટીઓ ઇન્સ્પેક્ટર એ.એન. પંચાલે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, માર્ગ સલામતી વધે અકસ્માત ઘટે તે માટે સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન ટ્રાફિકના નિયમો અનુસરવા માટે જનજાગૃતિ વધારવા માટે રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.

માર્ગ સલામતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નિવાસી અધિક કલેકટર સુશ્રી બી એસ બારડ સહિતના મહાનુભાવોએ ટ્રાફિક અવેરનેસ માટેની રેલીને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો, ઉપરાંત વેટરનરી કોલેજના જુદા જુદા વિભાગની મુલાકાત કરી, પશુ આરોગ્ય સંભાળ સહિતની વિગતોથી અવગત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, હેલ્મેટ પહેરો, લેનમાં રહો - સુરક્ષિત રહો, સીટ બેલ્ટ બાંધો, રોંગ સાઈડમાં વાહન ન ચલાવો ગતિ મર્યાદાનો ભંગ ન કરો સહિતના ટ્રાફિક નિયમો પાળવા માટે સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન લોકોને પ્રેરિત કરાશે.

આ પ્રસંગે વેટરનરી કોલેજના એનએસએસ યુનિટના કો ઓર્ડીનેટર ડો. એસ. વી. માવદિયાએ આભારવિધિ કરી હતી. ઉપરાંત આ પ્રસંગે વેટરનરી કોલેજના અધ્યાપક ગણ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande