
અમરેલી,04 જાન્યુઆરી (હિ.સ.) સાંસદ પરસોતમ રૂપાલાના માર્ગદર્શન હેઠળ આયોજિત અમરેલી જિલ્લાસ્તરીય“સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા ૨૦૨૬”ભવ્ય, સુવ્યવસ્થિત અને ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક યોજાઈ. આ કાર્યક્રમ કાઠિયાવાડની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત કલાઓને જનમાનસ સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ રહ્યો.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ આદરણીય પરસોતમભાઈ રૂપાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કાર્યક્રમનું ઉદ્ઘાટન IFFCO તથા NCUI ના ચેરમેન દિલીપભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ સાંસદ નારણ કાચડીયા, ભૂપેન્દ્રભાઈ બસિયા, પૂર્વ પ્રમુખ ડૉ. કાનાબાર, એસ.પી. ખરાત, વિક્રમસિંહજી, એમ.ડી. ડૉ. આર.એસ. પટેલ, બિપિનભાઈ જોષી, કાનપરિયા સહિત, અનેક સન્માનીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સ્પર્ધા દરમિયાન કાઠિયાવાડની લોકનૃત્ય, લોકગીત, પરંપરાગત વેશભૂષા અને લોકકલા રજૂઆતો દ્વારા મંચ જીવંત બની ઉઠ્યો હતો. યુવા પ્રતિભાઓએ પોતાની કલાત્મક અભિવ્યક્તિ દ્વારા કાઠિયાવાડી વારસાને ગૌરવપૂર્વક રજૂ કર્યો, જે દર્શકો માટે અત્યંત પ્રશંસનીય અને પ્રેરણાદાયી રહ્યો.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓ, વિજેતાઓ તથા આયોજન ટીમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી. કાઠિયાવાડી લોકકલા અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખવાની દિશામાં આ પ્રકારના પ્રયાસો ખરેખર સરાહનીય અને સમયોચિત સાબિત થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai