
અમરેલી, 04 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નિવાસ સ્થાને આજે મહત્વપૂર્ણ સૌજન્ય મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત સરકારના મંત્રી કોશિક વેકારીયા, ધારાસભ્ય જનકભાઈ તથા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન અમરેલી જિલ્લાના વિકાસકાર્યો, કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ ભવિષ્યની વિકાસ દિશા અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને પાણી પુરવઠા, સિંચાઈ યોજનાઓ, ગ્રામિણ વિસ્તારોના વિકાસ અને ખેડૂતોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી સી. આર. પાટીલે અમરેલી જિલ્લામાં ચાલી રહેલા વિકાસ પ્રયાસોની માહિતી મેળવી અને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના સુસંગત સહકારથી જ જનહિતના કાર્યોને વધુ વેગ મળી શકે છે.
મંત્રી કોશિક વેકારીયાએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામો માટે કેન્દ્ર સરકારનો માર્ગદર્શન અને સહયોગ ખૂબ મહત્વપૂર્ણ છે. મુલાકાત અંતે તમામ નેતાઓએ સંગઠનને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai