
અમરેલી, 4 જાન્યુઆરી (હિ.સ.) : દામનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આપઘાતના દુષ્પ્રેરણના ગંભીર ગુનામાં કોર્ટ દ્વારા આરોપી પતિને દોષિત ઠરાવી કડક સજા ફટકારવામાં આવી છે. પતિ દ્વારા પત્નીને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતા તેણી મરી જવા મજબૂર બની હોવાની તપાસ અને પુરાવાઓ કોર્ટમાં સાબિત થયા હતા.
આ મામલે દામનગર પોલીસ સ્ટેશન ખાતે IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સાક્ષીઓના નિવેદનો, દસ્તાવેજી પુરાવા અને પરિસ્થિતિજન્ય સાક્ષ્યો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રોસિક્યુશન દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોપી પતિની ક્રૂર વર્તણૂક અને ત્રાસને કારણે પત્નીએ અંતિમ પગલું ભર્યું.
મામલાની સુનાવણી પૂર્ણ થયા બાદ અમરેલી જિલ્લા કોર્ટએ આરોપીને દોષિત ઠરાવી ૦૩ વર્ષની સખત કેદ તથા રૂ. ૫,૦૦૦/- દંડની સજા સંભળાવી. દંડની રકમ અદા ન કર્યે વધુ સજા ભોગવવાની જોગવાઈ પણ કોર્ટ દ્વારા નોંધવામાં આવી છે.
કોર્ટના આ ચુકાદાને સમાજમાં સ્પષ્ટ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે કે ઘરેલુ હિંસા અને આપઘાતના દુષ્પ્રેરણ જેવા ગુનાઓને કોઈ રીતે સહન કરવામાં આવશે નહીં. પોલીસે પણ આવા કેસોમાં કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai