
જૂનાગઢ, 04 જાન્યુઆરી (હિ.સ.) ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આવતી કાલે તા.૪ જાન્યુઆરીના રોજ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ફલેગ ઓફ કરી પ્રારંભ કરાવશે.
૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ યોજાશે. જેમાં રાજ્યભરના ૧૧૧૫ જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મુકશે.
રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સયુંક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનો સાસ્કૃતિક મંચ, મહંત મંગલનાથજીના આશ્રમ પાસે, ગિરનાર તળેટી, ભવનાથ ખાતેથી તા.૪ જાન્યુઆરીના રોજ સવારે ૬-૪૫ કલાકે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવશે.આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકા મેયરશ્રી ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સ્પર્ધા પૂર્ણ થયા બાદ મહંત મંગલનાથજી આશ્રમ, ગિરનાર તળેટી ભવનાથ ખાતે બપોરે ૧ કલાકે ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવશે.
આ વર્ષે ગિરનાર સ્પર્ધામાં ૧૧૧૫ સ્પર્ધકો નોંધાયા છે.જેમાં સિનિયર ભાઈઓ ૫૧૩, જુનિયર ભાઈઓ ૨૭૮, સિનિયર બહેનો ૧૨૪, જુનિયર બહેનો ૨૦૦ વિભાગ વાઈઝ ભાગ લેનાર છે. રાજ્યકક્ષાની આ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને લઈને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ