
જૂનાગઢ 4 જાન્યુઆરી (હિ.સ.) શિવ આરાધના સાથે ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમા જૂનાગઢના મહાશિવરાત્રીના વર્ષ ૨૦૨૬ના મેળાના વિશેષ આયોજનને લઈને આજે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આ વર્ષે મેળામાં વિવિધ સુવિધાઓ ઉભી કરવાની તૈયારી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ આગામી 11 ફેબ્રુઆરીથી થશે અને 15 મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે રાત્રીના સાધુ-સંતોના મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે સંપન્ન થશે. ગુજરાત પવિત્ર યાત્રા ધામ બોર્ડના સહયોગથી મેળામાં વિવિધ સુશોભન અને ભાવિકો લક્ષી સુવિધાઓ ને પ્રાથમિક સવલતોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં સાંસ્કૃતિક ધરોહરો અને લોક પરંપરાઓમાં લોક સુવિધા વધારવાનો સરકારનો ઉપક્રમ રહ્યો છે. જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર મહાનગરપાલિકા અને અન્ય સંસ્થાઓના સંકલનથી મેળાનો સ્કેલ એટલે કે વ્યાપ વધારવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાશિવરાત્રી મેળાની ગરીમા વધે અને લોકો ની સુવિધાનો વિસ્તાર વધે તેમજ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો મેળાની વિવિધ પ્રવૃત્તિઓ અને સ્ટોલ નિહાળી શકે તે માટે ગિરનાર દરવાજાથી ભરડાવાવ થી જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ ગ્રાઉન્ડ સુધી મેળાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.
મેળામાં યાત્રિકો માટે પીવાનું શુદ્ધ પાણી, હંગામી શેલ્ટર હાઉસ, વધારે જરૂરિયાત મુજબ મોબાઈલ ટોયલેટ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અને વહીવટી તંત્રના કાર્યક્રમો અને જુદી જુદી સુવિધાઓનું સંકલન સહિતના મુદ્દે આયોજન કરવા માટે વિવિધ અધિકારીઓને ફિલ્ડ વિઝીટ સાથે અહેવાલ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું કે મેળાના છેલ્લા દિવસે રવેડી અને સાંસ્કૃતિક ધરોહર સમાન ધાર્મિક કાર્યક્રમો લોકો શ્રદ્ધાથી નિહાળે છે દર્શન કરે છે પરંતુ મેળાના આગલા દિવસો દરમિયાન ખાસ કરીને જુનાગઢ શહેરમાંથી ભવનાથ વિસ્તારમાં પ્રવેશ થાય ત્યારે જ લોકો ને મેળાની ગરિમા ,પરંપરા, હસ્તકલા, અને સદાવ્રત સહિતની કલ્યાણકારી પ્રવૃત્તિઓનો લાભ મળે તે માટે મેળાના આયોજનને વિસ્તારની દ્રષ્ટિએ વિસ્તાર ની શક્યતાઓને તપાસીને એ રીતે આયોજન કરવાનો જિલ્લાની ટીમનો ઉપક્રમ છે.
જેમાં મેળા ના વિસ્તારને પાંચ ભાગમાં વહેંચવામાં આવશે. પ્રથમ મજેવડી દરવાજા ગિરનાર દરવાજા ભરડાવાવ થી જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેનો ગ્રાઉન્ડ સુધીનો વિસ્તાર કે જેમાં વિવિધ પ્રવૃત્તિઓ ખાસ કરીને લોકો ચાલતા ચાલતા લીંબુપાણી અને અન્ય સદાવ્રત સંસ્થાઓ નો લાભ મેળવે આ ઉપરાંત સ્ટોલ્સ અને વિવિધ સુશોભન તેમજ આરોગ્ય, પાર્કિંગ પીવાનું પાણીના પોઇન્ટ વિગેરેનું ઇન્સ્ટોલેશન થાય તો આ વિસ્તાર પણ લોકો માટે સુવિધાસભર બનાવી શકાય તેની તૈયારીઓ માટે જરૂરી સુચના આપવામાં આવી હતી. બીજા ભાગમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસથી ભવનાથ વિસ્તાર અને ત્રીજા વિસ્તારમાં રવેડી રૂટ, ચોથા વિસ્તારમાં ગિરનારની સીડી વિસ્તારમાં લોક સુવિધા સાથે પ્લાસ્ટિક મુક્તિ પર્યાવરણ વિષયક જાગૃતિ પાંચમા વિસ્તારમાં પ્રેરણાધામથી આગળ જાંબુડી નાકા સુધીનો જંગલ વિસ્તારનો રૂટ કે જે વૈકલ્પિક ઇમરજન્સી દરમિયાન મુવમેન્ટમાં ઉપયોગમાં લઈ શકાય તે માટે તૈયારી અને જરૂરી કામગીરી કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
આ વર્ષે મેળામાં બેરેકેટિંગ વધારવા, એલઇડી સ્ક્રીન અને અન્ય સુરક્ષા ઉપકરણોની સુવિધા અને ટેકનોલોજી નો ઉપયોગ કરીને લોકોને કયા વિસ્તારમાં ક્રાઉડ છે તેની જાણકારી મળી રહે તે પ્રકારનું આયોજન સહિતના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના અધિકારી મોદીએ વિવિધ વિભાગોને તંત્ર મારફત તેમની જરૂરિયાતો અને વિવિધ વિસ્તારો આઈડેન્ટીફાય કરી સુવિધા ના સૂચન સાથે જરૂરી જરૂરિયાતોની માહિતી સત્વરે મોકલી આપવા જણાવ્યું હતું.
કલેકટર એ મેળા અધિકારી અને નાયબ કલેક્ટર ચરણસિંહ ગોહિલને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરીને અઠવાડિયામાં બે દિવસ ફિલ્ડ ઉપર રૂબરૂ જઈને જરૂરી સંસ્થાઓ, સ્ટેટ હોલ્ડર ને અધિકારીઓ સાથે આયોજન થાય અને ગ્રાસ રૂટ પર સુવિધા ને વધારવા અંગેની તૈયારીનો સંકલિત અહેવાલ તૈયાર કરવા પણ જણાવ્યું હતું.
એસપી શ્રી સુબોધ ઓડેદરાએ મેળામાં લાખો ભાવિકોની સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવવા તેમજ મેળામાં જુદા જુદા પોઇન્ટ પર લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓની પણ પોલીસ રાવટીની નજીક જ ફરજ સોપવા અને સંકલિત કામગીરી થાય તે માટે જરૂરી સૂચન કર્યા હતા.
મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે મેળામાં લોક સુવિધા માટે ટોયલેટ બ્લોક વધારવા, પાણીના પોઇન્ટ વધારવા શહેરમાં પણ એલીડી સ્ક્રીન, બેરેકટિંગ નો વિસ્તાર વધારવા તેમજ શહેરમાંથી ભવનાથ તરફ જતા માર્ગો પણ જરૂરી કામગીરી અને મહાનગરપાલિકાની સંકલિત કામગીરી બાબતે પણ જરૂરી માહિતી આપી હતી. ડી સી એફ અક્ષય જોશીએ વન વિભાગ દ્વારા વિવિધ સુવિધા તેમજ ખાસ કરીને ગિરનારમાં મેળા દરમિયાન સ્વચ્છતા તેમજ પ્લાસ્ટિક મુક્તિ અભિયાનમાં જનજાગૃતિ આવે તે માટે જરૂરી સૂચન કર્યું હતું.
એસટીના સેપરેટ પોઇન્ટ રેલ્વે સ્ટેશન અને મજેવડી દરવાજા પરથી સીધા ભવનાથ સુધી લંબાવવા માટે પણ ફિઝિબિલિટી તપાસીને આયોજન કરવા ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ટ્રાન્સપોર્ટેશન, પુરવઠો, સેનિટેશન અને પાણી, સુરક્ષા તેમજ આવશ્યક ચીજ વસ્તુઓની ઉપલબ્ધિ અને રુટ મરામત સહિતના મુદ્દે પણ ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું.
કલેકટર એ મેળામાં સેન્ટ્રલ કંટ્રોલરૂમ અને જે વિભાગો સેવા આપે છે તેઓ તેમના આગલા અનુભવના આધારિત સુવિધા વ્યવસ્થા વધારવાના આયોજનને આખરી ઓપ વહેલાસર આપી ફિલ્ડ વિઝીટ કરવા ભાર મૂક્યો હતો. આ બેઠકમાં અધિક કલેકટર બી.એસ બારડ અને અન્ય નાયબ કલેક્ટરશ્રીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ