
- સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ-સુરત દ્વારા મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ‘ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ’ યોજાયો
સુરત, 04 જાન્યુઆરી (હિ.સ.) : સુરતની વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના સહયોગથી સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ–સુરત દ્વારા મોટા વરાછા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય ‘રાજસ્વી સન્માન સમારોહ’ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કાયદા અને ન્યાયતંત્ર તેમજ ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ, પ્રદેશ સંગઠન અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા સહિત અનેક મહાનુભાવોને ભાવભર્યું સ્વાગત અને સન્માન આપવામાં આવ્યું હતું. તમામ મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે સરદાર સાહેબના લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિથી પ્રેરણા લઈ પાટીદાર સમાજે દેશ-વિદેશમાં આગવી ઓળખ બનાવી છે. એકતા અને સંગઠન પાટીદાર સમાજની સૌથી મોટી શક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને પાટીદાર સમાજે આત્મસાત કર્યો છે અને ‘એક ભારત–શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને સાકાર કરી છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે શિક્ષણ, આધુનિકતા અને પરિશ્રમ પાટીદાર સમાજની વિશેષતા છે. સાદગી, કરકસર અને સ્વાવલંબનની ભાવનાથી સમાજ ખેતી, ઉદ્યોગ, વેપાર, સહકાર અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી રહ્યો છે. સુરત અને દક્ષિણ ગુજરાતે ડાયમંડ, ટેક્સટાઇલ, સ્ટાર્ટઅપ અને સ્માર્ટ સિટી તરીકે જે ઓળખ મેળવી છે તેમાં પાટીદાર સમાજના પરિશ્રમ અને ઉદ્યોગશીલતાનો મોટો ફાળો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુનેગાર કોઈ સમાજનો નથી, ગુનેગાર સમાજનો દુશ્મન હોય છે. રાજ્ય સરકારે ગુનેગારો અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી છે. દિવાળી દરમિયાન થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન બદલ ₹10,000 કરોડનું પેકેજ જાહેર કરી ઝડપી રીતે સહાય રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવી છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલએ જણાવ્યું કે જળસંચયને જનભાગીદારીથી જનઆંદોલન બનાવવામાં આવ્યું છે. માત્ર 10 મહિનામાં અંદાજે 35 લાખ જેટલા જળસંચયના સ્ટ્રક્ચરો બન્યા છે અને તેમાં સરકારનો એક પણ રૂપિયો ખર્ચાયો નથી. ગુજરાતના જળસંચય મોડલને આખા દેશે સ્વીકાર્યું છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે સરદાર સાહેબ નવી પેઢી માટે પ્રેરણાસ્રોત છે. તેમના વિચારો અને જીવનચરિત્રમાંથી પ્રેરણા લઈને સમાજસેવામાં સતત આગળ વધવું સૌની જવાબદારી છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે પાટીદાર સમાજે શહેરોમાં પરિશ્રમ કરી સૌરાષ્ટ્રના ગામડાઓને આર્થિક રીતે સદ્ધર બનાવ્યા છે અને સુશાસનના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ જોવા મળી રહ્યો છે.
કાર્યક્રમમાં રાજ્ય મહિલા મોરચા સંગઠન અધ્યક્ષ અંજુબેન વેકરિયા, ધારાસભ્યો, સામાજિક-રાજકીય અગ્રણીઓ, ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારો તેમજ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સમિતિના અધ્યક્ષ વેલજીભાઈ શેટાએ સ્વાગત પ્રવચન કર્યું. કાર્યક્રમની શરૂઆત સમાજસેવક અને વિશ્વ શંખનાદ અભિયાનના પ્રણેતા પ્રકાશકુમાર વેકરિયાના ગગનભેદી શંખનાદ સાથે કરવામાં આવી.
સન્માન સમારોહ અંતર્ગત આયોજિત ભવ્ય ડાયરામાં પ્રખ્યાત કલાકારો કિર્તીદાન ગઢવી, જીગ્નેશ કવિરાજ, ઉર્વશી રાદડિયા, સુખદેવ ધામેલિયા, ઘનશ્યામ લાઠિયા અને હનુભા ગઢવીએ લોકસાહિત્ય, લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે