
અમરેલી, 04 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચબંદર દરિયાઈ ખાડી પર બહુપ્રતિક્ષિત બ્રિજના નિર્માણનું ખાતમુહર્ત આજે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદહસ્તે કરવામાં આવ્યું. અંદાજિત રૂ. 85 કરોડના ખર્ચે બનનાર આ બ્રિજથી ચાંચબંદર, ખેરા અને પટવા ગામના સ્થાનિકો માટે આવનજાવન સરળ બનશે તેમજ વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને નવી દિશા મળશે.
આ પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી લંબાયેલી માંગ હવે પૂર્ણ થવા જઈ રહી છે. દરિયાઈ બ્રિજ બનતા વિદ્યાર્થીઓ, માછીમારો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને મોટો લાભ મળશે.
સમારંભ દરમિયાન બગદાણા પ્રકરણ અંગે પ્રતિક્રિયા આપતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, “જે કોઈપણ તહોમતદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીસીટીવી કેમેરા અને કોલ ડિટેઇલ્સની તપાસ ચાલી રહી છે. કોઈ વ્યક્તિ કે અસામાજિક તત્વની નાત-જાત જોવામાં આવશે નહીં.” તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે જે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હશે તેમના પર કાયદેસર પગલાં લેવામાં આવશે.
આ વિકાસ કાર્યથી રાજુલા વિસ્તારના દરિયાકાંઠા વિસ્તારને નવી ઓળખ મળશે અને ભવિષ્યમાં પ્રવાસન તથા વેપાર ક્ષેત્રે પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai