
અમરેલી, 04 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી ખાતે આવેલ વેદ બ્લડ બેંક દ્વારા સેવા સમર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવાં વર્ષના મંગલ પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તરવડાનાં સાધુ હરિસ્મરણ સ્વામી તથા સાધુ હરિનયન સ્વામીની ઉપસ્થિતમાં અમરેલીનાં ધારાસભ્ય અને સરકારમાં કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં વેદ બ્લડ બેંકનાં સંચાલક લલિતભાઈ ઠુમ્મર દ્વારા અમરેલી જીલ્લાનાં મંદિરોનાં પૂજારી, સાધુ, સંતો, ફકીરો તેમજ મસ્જિદના મૌલવીઓને, કોઈપણ કારણોસર લોહીની જરૂર પડે તો આગામી ત્રણ વર્ષ માટે વિનામૂલ્યે લોહી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
સ્વાગત પ્રવચન કરતાં લલિત ઠુમ્મરે મંદીનો માર સહન કરી રહેલાં રત્ન કલાકારોનાં બાળકોને ઝડપી અને માતબર રકમની શિક્ષણ સહાય આપવા બદલ, રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાને ધન્યવાદ પાઠવતા આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જીલ્લાની જાણીતી સેવાભાવી સંસ્થા સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીએ જીલ્લામાં જરૂરિયાત મુજબ રક્તદાન થતું ના હોય છેલ્લાં ઘણાં સમયથી બ્લડની અછત હોવાની ચિંતા વ્યક્ત કરતાં યુવાનોને નિયમિત સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરી હતી.
તરવડા ગુરુકુળનાં સંતોએ ગુરુકુળનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા થતાં આ સેવા યજ્ઞનો રાજીપો વ્યક્ત કરી રૂડા આશિર્વચન પાઠવ્યાં હતાં. અધ્યક્ષ સ્થાનેથી મંત્રી વેકરિયાએ લલિતભાઈનાં સંકલ્પને ધન્યવાદ આપતાં આપનું રક્તદાન, કોઈનું જીવતદાન સૂત્ર સાથે પ્રેરક ઉદ્બોધન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલિયા, નગરપાલિકાનાં ચેરમેન ચિરાગ ચાવડા, દિલાભાઈ વાળા, હરી કાબરિયા, રાજન જાની, મંથનભાઈ, શહેર ભાજપના નાથુભાઈ ધાધલ, લાયન્સ કલબના બકુલ ભટ્ટ, અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનનાં પ્રકાશ કાબરિયા, ડાયમંડ માર્કેટનાં કાળુભાઈ લીંબડીયા, ઉપપ્રમુખ જયસુખભાઈ જરખિયા, મંત્રી વિનુભાઈ જાવિયા, ટ્રસ્ટી રસિકભાઈ ઝાલાવાડીયા, ટ્રસ્ટી મુકેશભાઇ રાદડિયા, રઘુભાઈ, વિનુભાઈ અંટાળા ચલાલા, નરેશભાઈ પરમાર, કૌશિકભાઈ વઘાસિયા, વિજયભાઈ ડાંગર, દિનેશ ધાધલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન વિપુલ ભટ્ટ તેમજ આભાર વિધિ મહામંત્રી રાકેશ સાવલિયાએ કરી હતી, તેમ આયોજક લલિત ઠુમ્મરે જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai