
સુરત, 04 જાન્યુઆરી (હિ.સ.)-સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં એક હૃદયદ્રાવક અને શ્વાસ અટકાવી દે તેવી ઘટના સામે આવી છે. એક મહિલાએ સાતમા માળે લિફ્ટના રિપેરિંગ કામ માટે બાંધવામાં આવેલા વાંસ પર ચઢી જઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, મજુરા ફાયર સ્ટેશનની ટીમે ભારે જહેમત બાદ મહિલાને સહીસલામત રેસ્ક્યુ કરી નવું જીવન આપ્યું હતું.
મળતી માહિતી મુજબ, મહિલાએ તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં બાળકને જન્મ આપ્યો હતો. જન્મ બાદ બાળકની તબિયત નાજુક હોવાથી તેને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો. પોતાના નવજાત બાળકને આવી સ્થિતિમાં જોઈ માતા ઊંડા આઘાતમાં સરી પડી હતી અને માનસિક સંતુલન ગુમાવતા તેણે અતિશય પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો.
કોવિડ બિલ્ડિંગમાં હાલ લિફ્ટનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હોવાથી બહારની તરફ સાતમા માળ સુધી વાંસનું સ્ટ્રક્ચર બાંધવામાં આવ્યું છે. મહિલા આ વાંસ પર ચઢી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ અને લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
મજુરા ફાયર સ્ટેશનના અધિકારી અભિષેક ગઢવી તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યુ દરમિયાન અનેક પડકારો સામે આવ્યા. ફાયર જવાનો મહિલાને નીચે ઉતરવા સમજાવતા રહ્યા, પરંતુ તે સાંભળવા તૈયાર નહોતી. જવાનો નજીક પહોંચતા મહિલા વાંસ પર આમતેમ દોડવા લાગી, જેના કારણે નીચે પડી જવાનો જોખમ વધી ગયો હતો.
અંતે ફાયર બ્રિગેડે વ્યુહરચના બનાવી મહિલાને ચારેય બાજુથી ઘેરી લીધી. અત્યંત સાવધાનીપૂર્વક તેને પકડી વાંસના સહારે નીચે ઉતારી પ્રથમ માળ સુધી લાવવામાં આવી, જ્યાંથી તેને સંપૂર્ણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. સમયસર થયેલા રેસ્ક્યુના કારણે એક અમૂલ્ય જીવ બચી ગયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે