
અમરેલી, 04 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ Sanjay Kharat સાહેબશ્રી દ્વારા ચલાવવામાં આવતી “MISSION SMILE” અભિયાન અંતર્ગત R.K. Science School, રાજુલાની મુલાકાત લેવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને બાળકોની સુરક્ષા માટે અતિ આવશ્યક એવા વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકોને સુરક્ષિત સ્પર્શ (ગુડ ટચ) અને અસુરક્ષિત સ્પર્શ (બેડ ટચ) વચ્ચેનો તફાવત સરળ અને સમજાય તેવી ભાષામાં સમજાવવામાં આવ્યો હતો. બાળકોને સમજાવવામાં આવ્યું કે કયો સ્પર્શ સારો છે, કયો ખોટો છે અને જો કોઈ અસુરક્ષિત અથવા અસ્વસ્થ બનાવ બને તો તરત જ પોતાના માતા-પિતા, શિક્ષક અથવા પોલીસને જાણ કરવી કેટલું જરૂરી છે. સાથે સાથે “ના” કહેવાની હિંમત રાખવી, પોતાની સુરક્ષા અંગે જાગૃત રહેવું અને ભય વગર વાત કરવાની પ્રેરણા પણ આપવામાં આવી.
પોલીસ અધિક્ષકશ્રી દ્વારા બાળકોને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવા, અજાણ્યા લોકો સામે સાવચેત રહેવા અને કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં પોલીસ મિત્ર તરીકે સાથે છે તેવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધીને તેઓ પોતાની સુરક્ષા અંગે વધુ સચેત બન્યા હતા. “MISSION SMILE” અંતર્ગત આવી પહેલ બાળકોના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી અને પ્રશંસનીય સાબિત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai