
નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષથી સરકારના વડા તરીકેના કાર્યકાળ દરમિયાન લોકશાહીની બે શક્તિઓ પર તેમનો વિશ્વાસ સતત મજબૂત થયો છે. આ શક્તિઓ છે દેશની જનતા અને સહકારી સંઘવાદ. તેમણે કહ્યું, “હું હંમેશા રાજ્યના વિકાસથી દેશના વિકાસનો મંત્ર લઈને ચાલ્યો છું.”
વડાપ્રધાન મોદી, આજે તમિલનાડુના પ્રવાસે ચેન્નઈ પહોંચ્યા. તેમણે પહેલા ચેન્નઈ મેટ્રોમાં પોરુર બાયપાસ સ્ટેશનથી પૂનમલ્લી બાયપાસ સ્ટેશન સુધીની યાત્રા કરી અને પછી પાછા ફર્યા. ત્યારબાદ જલકંડેશ્વર મંદિરમાં દર્શન અને પૂજા કરી. પછી આઈઆઈટી મદ્રાસ સ્થિત મગજ કેન્દ્રની મુલાકાત લીધી. વડાપ્રધાને 13 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો, તેનું ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કરી. ત્યારબાદ તેમણે જનસભાને સંબોધિત કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત પોતાની સાંસ્કૃતિક વિરાસતમાંથી પ્રેરણા લઈને વિજ્ઞાનની પ્રગતિ અને આધુનિક માળખાકીય સુવિધાઓ દ્વારા આગળ વધી રહ્યું છે. તેમણે આજે તમિલનાડુમાં 13 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાઓથી પરિવહન, ઉદ્યોગ અને વેપારને મજબૂતી મળશે તથા યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થશે.
વડાપ્રધાને કહ્યું કે, બહેતર પરિવહન માટે ફક્ત રસ્તાઓને પહોળા કરવા પૂરતું નથી, પરંતુ આધુનિક શહેરોમાં સર્વગ્રાહી માળખાકીય સુવિધાઓની જરૂર છે. આ જ ઉદ્દેશ્યથી છેલ્લા એક દાયકામાં દેશભરમાં મેટ્રો નેટવર્કનો વિસ્તાર કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં દેશના ફક્ત પાંચ શહેરોમાં મેટ્રો સેવા ઉપલબ્ધ હતી, જ્યારે હવે 25 શહેરોમાં મેટ્રો ચાલી રહી છે.
મોદીએ કહ્યું કે, તમિલનાડુ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. લગભગ 13 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓ હેઠળ ઘણી પૂર્ણ થઈ ચૂકેલી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આનાથી દૈનિક અવરજવર સરળ બનશે, ઉદ્યોગ અને વેપારને પ્રોત્સાહન મળશે તથા રાજ્યના યુવાનો માટે રોજગારની તકો ઊભી થશે.
તેમણે કહ્યું કે, મંદિરોથી લઈને મેટ્રો સુધીના તમિલનાડુના અનુભવો ભારતની ભાવનાને દર્શાવે છે. ભારત પોતાની સાંસ્કૃતિક વિરાસતમાંથી પ્રેરણા લે છે અને વિજ્ઞાનની પ્રગતિ સાથે આગળ વધે છે. આધુનિક માળખાકીય સુવિધાઓ નવી તકો ઊભી કરી રહી છે. દેશની વિરાસત અને ભવિષ્યની આકાંક્ષાઓ સાથે-સાથે આગળ વધી રહી છે.
વડાપ્રધાને કહ્યું કે, દેશમાં બંદરોની માળખાકીય સુવિધાઓને પણ મજબૂત કરવામાં આવી રહી છે, જેથી દરિયાઈ પરિવહન ક્ષેત્ર નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકે. કેન્દ્ર સરકાર લગભગ 17 હજાર કરોડ રૂપિયાના રોકાણથી તુતીકોરિન સ્થિત વી.ઓ. ચિદમ્બરનાર બંદરને વિશ્વસ્તરીય વિશાળ કન્ટેનર અને હરિત ઊર્જા કેન્દ્ર તરીકે વિકસાવી રહી છે. આના પૂર્ણ થવા પર બંદર દુનિયાના ખૂબ મોટા કન્ટેનર જહાજોને સંભાળી શકશે. આનાથી તમિલનાડુને ઉદ્યોગ અને પરિવહનના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં મદદ મળશે.
તેમણે કહ્યું કે, થોડા દિવસો પહેલા જ તેમણે દેશવાસીઓના આશીર્વાદ અને પ્રેમથી, સરકારના વડા તરીકે 25 વર્ષ પૂર્ણ કર્યા છે. ઓક્ટોબર 2001માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી તેમને મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાનો અવસર મળ્યો છે. તેમણે કહ્યું કે આ 25 વર્ષોમાં લોકશાહીની બે શક્તિઓ, દેશની જનતા અને સહકારી સંઘવાદમાં તેમનો વિશ્વાસ સતત મજબૂત થયો છે. તેઓ હંમેશા રાજ્યના વિકાસથી દેશના વિકાસના મંત્ર સાથે આગળ વધ્યા છે.
તેમણે કહ્યું કે, ભારત આજે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક છે. વર્ષ 2014 પછી દેશની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 11 ગણી વધી છે, જ્યારે સંરક્ષણ નિકાસમાં 50 ગણો વધારો થયો છે. એન્જિનિયરિંગ ઉત્પાદનોની નિકાસે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. ઉત્પાદન ક્ષેત્રની આ વૃદ્ધિથી દેશમાં યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો રોજગારની તકો ઊભી થઈ છે. તેમણે કહ્યું કે, તમિલનાડુના લોકોએ દેશમાં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ