
ચેન્નઈ, નવી દિલ્હી, 11 ઓક્ટોબર. ચેન્નઈમાં પૂંદમલ્લી–વડપલાની વચ્ચે બીજા તબક્કાની મેટ્રો રેલ સેવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયે સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. હવાઈમથકથી પોરુર સુધી પ્રધાનમંત્રીનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ બંનેએ એક સાથે મેટ્રો રેલમાં યાત્રા કરી અને વિદ્યાર્થીઓ તથા સામાન્ય લોકો સાથે વાતચીત કરી.
ચેન્નઈ મહાનગરના લોકોનું લાંબા સમયથી જોવાયેલું સ્વપ્ન, બીજા તબક્કાની મેટ્રો રેલ પ્રોજેક્ટનો પહેલો ભાગ હવે સત્તાવાર રીતે લોકોના ઉપયોગ માટે શરૂ થઈ ગયો છે. શહેરમાં ટ્રાફિકની ભીડને ઘણે અંશે ઓછી કરવા અને સામાન્ય લોકોના પ્રવાસ સમયને ઘટાડવાના હેતુથી પૂંદમલ્લી બાયપાસથી વડાપલાની સુધી 14.6 કિલોમીટર લાંબો આ માર્ગ બનાવવામાં આવ્યો છે. તમિલનાડુમાં નવી સરકારના સત્તા સંભાળ્યા પછી પહેલીવાર ચેન્નઈ પહોંચેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની હાજરીમાં આ ઐતિહાસિક મેટ્રો રેલ સેવાને લીલી ઝંડી બતાવીને શરૂ કરી. ઉદ્ઘાટન સમારોહ પછી બંને મુખ્ય નેતાઓએ એક જ મેટ્રો રેલમાં બેસીને એક સાથે યાત્રા કરી. આ ઘટનાએ તમિલનાડુના રાજકારણ અને સામાન્ય જનતા વચ્ચે વ્યાપક સ્વાગત અને ધ્યાન આકર્ષિત કર્યું છે.
દિલ્હીથી ખાસ વિમાન દ્વારા રવિવારે સવારે લગભગ 11 વાગ્યે ચેન્નઈ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું, તમિલનાડુના મુખ્યમંત્રી વિજય અને મંત્રીઓએ હવાઈમથક પર વ્યક્તિગત રીતે શાલ ઓઢાડીને ઔપચારિક સ્વાગત કર્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી હવાઈમથકથી સડક માર્ગે કાર દ્વારા પોરુર માટે રવાના થયા. હવાઈમથકથી પોરુર સુધી સમગ્ર રસ્તામાં એકત્ર થયેલા ભાજપના કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોએ પ્રધાનમંત્રીનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. લોકોના આ સ્નેહભર્યા સ્વાગતને સ્વીકાર કરતા પ્રધાનમંત્રી મોદીએ પોતાની કારનો દરવાજો ખોલીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું.
પોરુર મેટ્રો રેલ સ્ટેશન પહોંચ્યા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂંદમલ્લી–વડાપલાની વચ્ચે નવી મેટ્રો રેલ સેવાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી વિજયે એક સાથે મેટ્રો રેલમાં યાત્રા કરી. આ વિશેષ યાત્રા દરમિયાન બંને નેતાઓએ રેલમાં મુસાફરી કરી રહેલા સામાન્ય લોકો અને શાળાના વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતચીત કરી.
બીજા તબક્કાની મેટ્રો પ્રોજેક્ટના પ્રથમ ભાગ તરીકે હાલમાં 11 મેટ્રો સ્ટેશન લોકોના ઉપયોગ માટે શરૂ કરવામાં આવ્યા છે. મુસાફરોને અવિરત સેવા અને સુવિધા પૂરી પાડવા માટે મેટ્રો પ્રશાસન દ્વારા તમામ આધુનિક સુરક્ષા વ્યવસ્થાઓ અને પાયાની સુવિધાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વરા પ્રસાદ રાવ પી.વી./અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ