
પાટણ, 13 ઓક્ટોબર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા આગામી પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અને કૉપી કેસ સામે કાર્યવાહી કરવા માટે 15 નિયમો જાહેર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ પરીક્ષાર્થીઓને નિયમોનું પાલન કરવા અને નકલ સહિતની ગેરરીતિઓથી દૂર રહેવા સૂચના આપી છે.
યુનિવર્સિટીના નિયમો મુજબ, પરીક્ષાખંડમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વૉચ, બ્લૂટૂથ ઉપકરણ, ડિજિટલ ડાયરી, પેન સ્કેનર અને અન્ય પ્રતિબંધિત ગેજેટ્સ લઈ જવા પર પ્રતિબંધ છે. મંજૂરી વિના પુસ્તકો, કાગળો, ફોટોકૉપી કે અન્ય પ્રતિબંધિત સામગ્રી રાખવી પણ ગેરરીતિ ગણાશે.
પરીક્ષા દરમિયાન અન્ય વિદ્યાર્થી પાસેથી નકલ કરવી, જવાબો મેળવવા કે અન્યને નકલ કરવામાં મદદ કરવી સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તરવહીનાં પાનાં કાઢવાં, નવાં પાનાં ઉમેરવાં, ઉત્તરવહી બહાર લઈ જવી, પ્રવેશપત્ર કે ઓળખપત્રમાં ચેડાં કરવાં તેમજ પોતાની ઓળખ છતી થાય તેવાં નિશાન બનાવવાં પણ નિયમભંગ ગણાશે.
બે કે તેથી વધુ વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં જવાબો, પ્રશ્નોની પસંદગી, જવાબોનો ક્રમ અથવા લખવાની પદ્ધતિમાં અસામાન્ય સમાનતા જોવા મળશે તો માસ કૉપી કેસ તરીકે કાર્યવાહી થઈ શકે છે. અન્યના સ્થાને પરીક્ષા આપવી અથવા પોતાના સ્થાને ડમી પરીક્ષાર્થીને બેસાડવો પણ ગંભીર ગેરરીતિ ગણાશે.
ગેરરીતિની તપાસમાં અવરોધ ઊભો કરવો, અધિકારીઓની સૂચનાઓનું પાલન ન કરવું, પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવો, પરીક્ષા સ્ટાફને ધમકી આપવી કે લાલચ આપવી અને શારીરિક હિંસા આચરવી જેવા કૃત્યો સામે પણ પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત ખોટી માહિતી આપવી અને પરીક્ષા દરમિયાન ગેરકાયદેસર મદદ મેળવવાનો પ્રયાસ કરવો પણ નિયમોના દાયરામાં આવશે.
HNGU દ્વારા જાહેર કરાયેલા આ 15 નિયમોનો મુખ્ય હેતુ પરીક્ષામાં પારદર્શિતા જાળવવાનો અને ગેરરીતિઓ પર નિયંત્રણ મેળવવાનો છે. યુનિવર્સિટીએ તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્ટાફની સૂચનાઓનું પાલન કરવા અને નિયમોનું ચુસ્તપણે અનુસરણ કરવા જણાવ્યું છે. નિયમોનો ભંગ કરનાર સામે યુનિવર્સિટીના લાગુ પડતા નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ