
ભાવનગર, 13 ઓક્ટોબર (હિ.સ.)બોટાદની ચાણક્ય પ્રાથમિક શાળા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ, બોટાદ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવાની સાથે બાળ સુરક્ષા અને બાળ અધિકારો વિશે સમજ કેળવવાનો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓને બાળ સુરક્ષા સંબંધિત વિવિધ કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ (જે.જે. એક્ટ), પોક્સો એક્ટ સહિતના બાળ સુરક્ષા કાયદાઓની સમજ આપવામાં આવી હતી. બાળકોના અધિકારો, તેમની સુરક્ષા અને કાયદાકીય જોગવાઈઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, બાળકોના કલ્યાણ માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી, જેથી જરૂરિયાતમંદ બાળકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડી શકાય.
કાર્યક્રમમાં નશાના સેવનથી વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરો તેમજ પરિવાર અને સમાજ પર પડતા નકારાત્મક પ્રભાવ વિશે સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ નશામુક્તિ માટે પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને નશામુક્ત ભારતના નિર્માણ માટે શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા. આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા બાળકોમાં કાયદાકીય જાગૃતિ વધારવા, બાળ સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને નશામુક્ત સમાજના નિર્માણ માટે સકારાત્મક અભિગમ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA