
ભાવનગર, 13 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર શહેરમાં સ્વચ્છતા અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા અને સ્વચ્છતાની સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવાના હેતુથી “સ્વચ્છતા હી સેવા 2026 ”, “સ્વચ્છ ગુજરાત 100 દિવસ” તથા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના રહેણાકીય વિસ્તારોમાં જાગૃતિ પ્રવૃત્તિ (IEC એક્ટિવિટી) યોજવામાં આવી હતી.
આ પ્રવૃત્તિ દરમિયાન રહેવાસીઓને ઘન કચરાનું યોગ્ય રીતે ચાર પ્રકારે વર્ગીકરણ કરવા અંગે સમજ આપવામાં આવી હતી. ઘરમાંથી નીકળતા કચરાને અલગ-અલગ શ્રેણીમાં વહેંચીને આપવાથી કચરાના વ્યવસ્થાપનમાં સરળતા રહે છે અને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ મળે છે. આ ઉપરાંત ભીનો કચરો, સૂકો કચરો તથા અન્ય પ્રકારના કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે પણ નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાની ટીમ દ્વારા નાગરિકોને ઘરેથી જ કચરાનું વર્ગીકરણ કરવાની ટેવ કેળવવા અને કચરો જાહેર સ્થળોએ ન ફેંકવા માટે અપીલ કરવામાં આવી હતી. સ્વચ્છ શહેરના નિર્માણમાં દરેક નાગરિકની ભાગીદારી મહત્વપૂર્ણ હોવાથી લોકોને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ભાવનગર શહેરને સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમિત્ર બનાવવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી આવી જાગૃતિ પ્રવૃત્તિઓ સ્વચ્છતા પ્રત્યે નાગરિકોની જવાબદારી વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA