

- ભાજપે સતત ત્રીજીવાર મનપા પર કબ્જો કર્યો
ગાંધીનગર,13 ઓકટોબર (હિ.સ.) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં પરિણામોએ રાજ્યના રાજકીય સમીકરણો અંગે અનેક સંકેતો આપ્યા છે.2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં આ પરિણામોને સેમિફાઇનલ તરીકે જોવામાં આવે તો ભાજપ માટે તે ઉત્સાહ વધારનારાં છે, જ્યારે કોંગ્રેસ માટે ફરી એકવાર ચિંતાની ઘંટડી સમાન છે. બીજી તરફ, ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે પોતાની જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટી માટે પણ પરિણામો આત્મમંથન કરવાની જરૂરિયાત દર્શાવે છે. ભાજપે ફરી એકવાર અનેક વિસ્તારોમાં પોતાની પકડ જાળવી રાખીને સંગઠનાત્મક તાકાતનો સંકેત આપ્યો છે.
ગાંધીનગર મનપાનું ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયું છે. 11 વોર્ડની 44 બેઠકમાં ભાજપને 38, કોંગ્રેસને 5 અને અપક્ષને 1 બેઠક મળી છે. આ સાથે જ ભાજપે સતત ત્રીજીવાર મનપા પર કબ્જો કર્યો છે.
2021માં આપે ખાતું ખોલ્યું હતું અને કોંગ્રેસને 2 સીટ મળી હતી. આ વખતે આપે મીંડુ મૂકાવ્યું છે. જ્યારે કોંગ્રેસને 3 સીટનો ફાયદો થયો છે. આમ કોંગ્રેસે લાજ બચાવી લીધી છે.
આમ આદમી પાર્ટી કુલ 6 અને કોંગ્રસના 1 ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ છે. આ વખતે સરેરાશ 59.25% મતદાન નોંધાયું હતું. જેમાં કુલ 2,59,985 મતદારોમાંથી 1,54,045એ વોટિંગ કર્યું હતું.
કોંગ્રેસ માટે ફરી ચિંતાની ઘંટડી છે. કોંગ્રેસ માટે આ પરિણામો અનેક સવાલો ઊભા કરે છે. ભાજપ સામે મજબૂત અને વિશ્વસનીય વિકલ્પ તરીકે પોતાની છાપ ઊભી કરવામાં કોંગ્રેસને હજુ લાંબી મજલ કાપવાની છે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો પ્રભાવ ઓસરતો હોવાની રાજકીય ચર્ચા વચ્ચે કોંગ્રેસે પોતાના સ્થાનિક નેતૃત્વ અને સંગઠનની સ્થિતિનું મૂલ્યાંકન કરવું પડશે. ગુલાબસિંહ અને કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચેની નારાજગીની ચર્ચા પણ પક્ષના આંતરિક રાજકારણને લઈને સવાલો ઊભા કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ