
પાટણ, 13 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલી યુનિવર્સલ પબ્લિક સ્કૂલ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ પરંપરાગત અને રંગબેરંગી વેશભૂષામાં સજ્જ થઈને શાળામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું.
શાળાના પટાંગણમાં યોજાયેલા આ મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ તાલબદ્ધ રીતે ગરબા રમીને નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી. પરંપરાગત પોશાકમાં સજ્જ વિદ્યાર્થીઓએ પોતાની કલા, પ્રતિભા અને ઉત્સાહનું સુંદર પ્રદર્શન કર્યું હતું. ગરબાના તાલે વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક ભાગ લેતાં કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.
આવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ અને તહેવારોના મહત્ત્વ વિશે જાણવાની તક મળે છે. સાથે જ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને સામૂહિક ભાવનાનો વિકાસ થાય છે. યુનિવર્સલ પબ્લિક સ્કૂલમાં યોજાયેલા આ ગરબા મહોત્સવમાં વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારીથી કાર્યક્રમ યાદગાર બન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ