ધામળેજ KGBVની 7 દીકરીઓએ ટેકવિન્ડો સ્પર્ધામાં મેળવ્યું વિજયપદ ઇણાજ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર-17 સ્પર્ધામાં 16 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો
સોમનાથ,13 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લાના ઇણાજ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર-17 ટેકવિન્ડો સ્પર્ધામાં સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV)ની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાની કુલ 16 દીકર
ધામળેજ KGBVની 7 દીકરીઓએ ટેકવિન્ડો સ્પર્ધામાં


સોમનાથ,13 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લાના ઇણાજ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર-17 ટેકવિન્ડો સ્પર્ધામાં સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV)ની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાની કુલ 16 દીકરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાંથી સાત વિદ્યાર્થિનીઓએ વિવિધ ક્રમમાં વિજેતા બની શાળા, ગામ અને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. દીકરીઓની આ સફળતાથી શાળા પરિવાર અને વાલીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે.

આ જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં ધામળેજ KGBVની ચાર વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમ મેળવી પોતાની રમતકૌશલ્યની પ્રતિભા દર્શાવી હતી. જેમાં ધોરણ 11માં અભ્યાસ કરતી ચોટીગલા તન્વી, ધોરણ 10ની મોરાસિયા મીનાલી, ધોરણ 12ની વાળા રિદ્ધિ અને ધોરણ 6ની રાઠોડ સાતવીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

જ્યારે ધોરણ 9માં અભ્યાસ કરતી બાંભણિયા અંજલિએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો. આ ઉપરાંત ધોરણ 9ની ચૌહાણ રોશની અને ધોરણ 10ની ગોહિલ અક્ષિતાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાની સિદ્ધિમાં વધારો કર્યો હતો.

વિદ્યાર્થિનીઓની આ સફળતા પાછળ તેમની નિયમિત મહેનત, શિસ્ત અને રમત પ્રત્યેની લગન મહત્ત્વપૂર્ણ રહી છે. સાથે જ કોચ પરમાર અક્ષયભાઈ દ્વારા આપવામાં આવતી નિઃશુલ્ક તાલીમથી દીકરીઓને પોતાની રમતકૌશલ્યને વધુ નિખારવાની તક મળી છે. યોગ્ય માર્ગદર્શન અને સતત અભ્યાસના પરિણામે વિદ્યાર્થિનીઓએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પોતાની પ્રતિભા સાબિત કરી છે.

આ સિદ્ધિ બદલ ગ્રામજનો, વાલીઓ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, ધામળેજના પરિવાર દ્વારા વિજેતા વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. શાળાનાં વોર્ડન કમ હેડ ટીચર ગીતાબેન ચુડાસમા સહિત સમગ્ર સ્ટાફગણે દીકરીઓની સિદ્ધિને બિરદાવી ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ધામળેજ KGBVની સાત વિદ્યાર્થિનીઓએ જિલ્લા કક્ષાએ મેળવેલી આ સફળતા અન્ય વિદ્યાર્થીનીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. અભ્યાસની સાથે રમતગમતમાં પણ દીકરીઓ આગળ વધે અને પોતાની પ્રતિભા દ્વારા શાળા તથા વિસ્તારનું નામ રોશન કરે તે દિશામાં આવી સિદ્ધિઓ મહત્ત્વપૂર્ણ બની રહે છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande