

પાટણ, 13 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની સુજાણપુર ગ્રામ પંચાયતે લગ્ન નોંધણીના કાયદામાં સુધારા કરવાની માંગને સમર્થન જાહેર કર્યું છે. સરદાર પટેલ સેવા દળ (SPG) દ્વારા પ્રેમલગ્ન સહિત લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનને પંચાયતનો ટેકો મળ્યો છે. આ માટે પંચાયત દ્વારા સંમતિ પત્રક પણ જારી કરવામાં આવ્યું છે.
SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ અને તેમની ટીમ રાજ્ય સરકાર સમક્ષ લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા કરવાની માંગ સાથે ઝુંબેશ ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત સુજાણપુર ગ્રામ પંચાયતે સરકાર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં દીકરીના ગામ કે શહેરમાં જ લગ્ન નોંધણી ફરજિયાત બનાવવી, દસ્તાવેજોની ચકાસણી સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા કરાવવી અને તલાટીને બદલે મામલતદાર અથવા કલેક્ટર કક્ષાના અધિકારીને સહી-સિક્કાની સત્તા આપવાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, લગ્ન નોંધણીના રજિસ્ટરમાં દીકરીનાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાની પણ માંગ કરવામાં આવી છે. પંચાયતના જણાવ્યા મુજબ, આ સુધારાઓ લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ચકાસણીને વધુ સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી રજૂ કરવામાં આવ્યા છે. સુજાણપુર ગ્રામ પંચાયતના સરપંચ નારણભાઈ મગનલાલ પટેલે પંચાયતના સત્તાવાર લેટરપેડ પર સહી કરીને SPGના આ અભિયાનને સમર્થન આપ્યું છે. હવે આ માંગણીઓ અંગે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ