
પાટણ, 15 ઓક્ટોબર (હિ.સ.)હારીજની સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓમાં થેલેસેમિયા અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ પરીક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને થેલેસેમિયા રોગ વિશે માહિતગાર કરવાનો અને સમયસર પરીક્ષણ કરાવી તેના નિવારણ માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનું થેલેસેમિયા પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
થેલેસેમિયા એક વારસાગત રક્તસંબંધિત રોગ છે, જેના વિશે સમયસર જાણકારી મેળવવી અને યોગ્ય તબીબી માર્ગદર્શન લેવું ખૂબ જ જરૂરી છે. પરીક્ષણ દ્વારા રોગની સ્થિતિ અથવા થેલેસેમિયાના વાહક હોવા અંગે માહિતી મેળવી શકાય છે. આવી પહેલથી યુવાનોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે છે અને ભવિષ્યમાં રોગના જોખમને ઘટાડવા માટે જરૂરી પગલાં લેવામાં મદદ મળે છે.
કોલેજના આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનું સંકલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જિજ્ઞેશ પરમારે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓ અને આરોગ્યકર્મીઓએ સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે આયોજકો દ્વારા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા અને રોગ નિવારણની દિશામાં આ કાર્યક્રમ ઉપયોગી સાબિત થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ