
રાજકોટ, 15 ઓક્ટોબર (હિ.સ.) : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટના શાપર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભૂમાફિયાઓ અને વ્યાજખોરોના શિકાર બનેલા ૩૫ ખેડૂતોને ૫૦૦ વિઘાથી વધુ જમીનના દસ્તાવેજો પરત સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીએ જમીન હડપનારા અને વ્યાજખોરો સામે રાજ્ય સરકારના કડક વલણની જાહેરાત કરી હતી.
આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ પોલીસે સબ રજીસ્ટ્રાર કચેરીના સહયોગથી ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યું હતું. આ કાર્યવાહી હેઠળ છેતરપિંડી અને દગાબાજીથી પડાવી લેવાયેલી અંદાજે રૂ. ૧૦૦ કરોડની કિંમત ધરાવતી જમીનો મૂળ માલિકોને પરત અપાવવામાં આવી હતી.
પોલીસ તંત્રની આ કામગીરીને બિરદાવતા જણાવવામાં આવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને તેમની જમીનોના હક પરત સોંપાયા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. આ સિદ્ધિ દ્વારા પીડિત ખેડૂતોને ન્યાય અપાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને વ્યાજખોરો કે ભૂમાફિયાઓની જાળમાં ફસાવાને બદલે જાગ્રત રહેવા અપીલ કરાઈ હતી. કોઈપણ કોરા કાગળ કે દસ્તાવેજ પર સહી કરતા પહેલા પૂરતી સાવચેતી રાખવા અને ઊંચા વ્યાજે નાણાં લેવાને બદલે સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અંતમાં, જમીનનો હક પુન: પ્રાપ્ત કરનારા ખેડૂતોએ રાહત અનુભવતા આ કાર્યવાહી બદલ સરકાર અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાથી ગ્રામીણ અને ઔદ્યોગિક વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt