
રાજકોટ, 15 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું–2026 અંતર્ગત 14 ઑક્ટોબરે રાજકોટ કંટ્રોલ કચેરી નજીક આવેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો–2026 પર જાગૃતિ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રેલવે કર્મચારીઓને કચરાના યોગ્ય વર્ગીકરણ, સુરક્ષિત નિકાલ તેમજ દૈનિક વ્યવહારમાં સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે વિગતવાર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મુખ્ય આરોગ્ય નિરીક્ષક મનીષ ઉપાધ્યાયે વ્યાખ્યાન આપતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની અગત્યતા વિશે સમજાવ્યું હતું. તેમણે કચરાને તેના પ્રકાર મુજબ અલગ કરવાની પદ્ધતિઓ અને તેના યોગ્ય નિકાલની પ્રક્રિયા પર પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત, કાર્યસ્થળ અને આસપાસના પરિસરમાં સ્વચ્છતા રાખવાથી સ્વાસ્થ્ય પર થતી સકારાત્મક અસરો વિશે કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ આયોજનનો મુખ્ય હેતુ કર્મચારીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સચોટ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો હતો. કચરાનું યોગ્ય વર્ગીકરણ અને સમયસર નિકાલ માત્ર કાર્યસ્થળને સુઘડ રાખવામાં જ મદદરૂપ નથી બનતું, પરંતુ પર્યાવરણ પર પડતી કચરાની પ્રતિકૂળ અને હાનિકારક અસરોને ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
રાજકોટ ડિવિઝન દ્વારા સ્વચ્છતા પખવાડિયું–2026 અંતર્ગત સતત વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેથી કર્મચારીઓમાં જવાબદારીની ભાવના વિકસે અને સ્વચ્છ તેમજ સ્વસ્થ કાર્યકારી વાતાવરણ જળવાઈ રહે. આ તમામ પ્રયાસો સ્વચ્છ રેલ – સ્વચ્છ ભારતના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને સરાહનીય યોગદાન પૂરું પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt